ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ તાલુકાના અટગામ ગામના પાટાતળાવ ખાતેથી સખી મંડળના લખપતિદીદી અનિતાબેન કેતનભાઈ પટેલ સંચાલિત ‘માધવા સ્વ સહાય જૂથ’ અત્યંત નાના પાયેથી શરૂ કરેલી સફરથી આજે સફળતાના આકશને આંબી રહી છે. પાંચ કરોડના વાર્ષિક ટર્ન ઓવરને હાંસલ કરવાની અનિતાબેન પટેલની સફર સશક્ત નારીનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડે છે. તેઓ સ્વ સહાય જૂથ દ્વારા આસપાસની અગિયાર મહિલાઓને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે. સશક્ત નારી મેળામાં નાણાં, શહેરી વિકાસ અને સહેરી ગૃહ નિર્માણ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ, ખાદી અને કુટિર, ગ્રામ ઉદ્યોગ અને વલસાડ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે અનિતાબેનને લખપતિદીદીનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
માધવા સ્વ સહાય જૂથના મુખ્ય સંચાલક અનિતાબેન પટેલે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮માં સખી મંડળમાં જોડયા હતા અને ત્યારે સરકારના રિલોલ્વિંગ ફંડ દ્વારા રૂ. ૧૨૦૦૦/- અને અને રૂ. ૧ લાખની કેશ ક્રેડિટ સહાયથી માધવા સ્વ સહાય જૂથની શરૂઆત કરી હતી. અત્યારે આ જૂથની વર્ષ ૨૦૨૪નું વાર્ષિક ટર્ન ઓવર રૂ.૧.૫ કરોડનું થયું છે. વર્ષ ૨૦૨૫માં રૂ. ૫ લાખની કેશ ક્રેડિટ સહાયથી રૂ. ૫ કરોડના ટર્ન ઓવરના લક્ષ્યને હાંસલ કરવાની અત્યંત નજીક પહોંચી ગયા છે. આ સ્વ સહાય જૂથ દ્વારા ૩૫૦થી વધુ પ્રોડક્ટસનું વેચાણ કરી રહ્યા છે. તેમજ ૩૩થી વધુ પ્રોડક્ટસનું ઉત્પાદન કરવામાં આવે છે.
વધુમાં તેમણે તેમના ઉત્પાદનો વિશે જણાવ્યું હતું કે, હળદર, ચા-મસાલો, બધા મસાલાઓ, સૂંઠ, હર્બલ સાબુ, ઘાણીનું તેલ, ગીર ગાયનું ઘી, ગોળ, ગોળ પાવડર, સહિત વિવિધ પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે. તમામ ઉત્પાદનો પ્રાકૃતિક છે તેથી લોકોનું સ્વસ્થ્ય પણ જળવાઈ રહે છે. વલસાડ તિથલ રોડ ખાતે આવેલી સ્વ સહાય જૂથની દુકાનમાં અન્ય સ્વ સહાય જૂથના ઉત્પાદનોનું પણ વેચાણ કરવામાં આવે છે. સાથે સાથે ગુજરાતભરમાં ઉત્પાદનોની વિનામુલ્યે હોમ ડીલિવરી પણ કરવામાં આવે છે.
રિવોલ્વિંગ ફંડ અને કેશ ક્રેડિટની સહાયથી આટલા લક્ષ્યો મેળવવામાં સફળતા મળી છે તેથી રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરૂં છું.
માધવા સ્વ સહાય જૂથમાં બનાવવામાં આવતી પ્રોડક્ટસનું ઉત્પાદન કુદરતી પદ્ધતિઓથી કરવામાં આવે છે. પાવડર બનાવવા માટે મોટા મશીનોનો ઉપયોગ કરવામાં આવતો નથી. હળદર અને આદુને સૂર્યપ્રકાશમાં સુકવવામાં આવે છે જેથી તેમાં રહેલા હાનિકારક તત્વો જેવા કે કરક્યુમિન જળવાઈ રહે છે. લીલી હળદર અને આદુને ઉકાળવામાં અને પોલીશ ડ્રાય કરવામાં આવતા નથી અને તેમાં કલર એસેન્સનો ઉપયોગ પણ કરવામાં અવતો નથી. તેથી આ હળદર આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ બને છે. આ હળદરના સેવનથી ૧૪ જેટલી બીમારીઓ થવાની સંભાવના નહિંવત થાય છે.
માધવા સ્વ સહાય જૂથના અનેક સ્વ સહાય જૂથોને પ્રગતિ કરવાની પ્રેરણા આપે છે. તેમજ અનિતાબેન પટેલ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આત્મનિર્ભર અને સશક્ત નારી બની અનેરો ફાળો આપી રહ્યા છે.
