લોકસભા સામાન્ય ચૂંટણીમાં ૨૬- વલસાડ બેઠક પર પાંચમા દિવસે કોંગ્રેસના ઉમેદવાર સહિત કુલ પાંચ ઉમેદવારી પત્ર ભરાયા: કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના નામથી ૩ અને રમેશ પાડવીના નામથી ચોથુ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું

ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ને અનુલક્ષીને ગુજરાતમાં યોજાનારી ત્રીજા તબક્કાની ચૂંટણીમાં તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે ત્યારે ૨૬-વલસાડ (અ.જ.જા) સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભાની ચૂંટણી માટે પાંચમાં દિવસે મંગળવારે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર સહિત અન્ય રાજકીય પાર્ટીના મળી કુલ ૫ ઉમેદવારી પત્ર ભરાયા હતા.
લોકશાહીના ઉત્સવને મનાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી-વ-જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના નેતૃત્વમાં ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ વિવિધ રાજકીય પક્ષો દ્વારા પણ ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યા છે. પાંચમા દિવસે કોંગ્રેસના ઉમેદવાર અનંતકુમાર હસમુખભાઈ પટેલ (ઉ.વ. ૪૬, રહે. જવાહર રોડ, ઉનાઈ, તા.વાસંદા જિ. નવસારી)એ પક્ષના આગેવાનો સાથે પોતાના નામથી કુલ ૩ ઉમેદવારી પત્ર ભર્યા હતા. જ્યારે કોંગ્રેસમાંથી ચોથુ ઉમેદવારી પત્ર રમેશભાઈ બીસ્તુભાઈ પાડવી (રહે. પાડવી ફળિયા, બરૂમાળ, તા. ધરમપર, જિ.વલસાડ)ના નામથી ભરાયું હતું. આમ કોંગ્રેસમાંથી કુલ ૪ ઉમેદવારી પત્ર ભરાયા હતા.

જ્યારે અન્ય એક ઉમેદવારી પત્ર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્રવિણ છોટુભાઈ પટેલ (ઉ.વ. ૪૭, રહે. પટેલ ફળિયુ, ગામ સુખાલા, તા.કપરાડા જી.વલસાડ) દ્વારા ભરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રોજ ભાજપ દ્વારા ચાર ઉમેદવારી પત્ર ભરાયા હતા અને આજે કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષ મળી પાંચ ઉમેદવારી પત્ર ભરાતા અત્યાર સુધીમાં કુલ ૯ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે.

તા. ૧૯ એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે અને તા. ૨૨ એપ્રિલ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ હોવાથી ત્યારબાદ ૨૬-વલસાડ લોકસભાની ચૂંટણીના જંગમાં કેટલા ઉમેદવારો ટકરાશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

Share this post

error: Gujarat Alert Content is protected !!