વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી- તંત્ર એલર્ટ

ગુજરાત એલર્ટ | વલસાડ
ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાકમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને અનુલક્ષીને વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે કોઇ મુશ્કેલી ન સર્જાય તે માટે વલસાડ જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાનના રાહબરી હેઠળ પુરતી તૈયારીઓ કરવામાં આવી છે. તમામ અધિકારીઓને હેડ કવાર્ટર ન છોડવા સૂચનાઓ જારી કરવામાં આવી છે. વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહી સાવચેતીના પગલા લેવા, તેમજ વરસાદને કારણે કોઇ પણ નુકસાન થયેલું જણાય તો તેની અત્રે તાત્કાલિક ફોનથી તેમજ વોટસએપ મેસેજથી જાણ કરવા સુચનાઓ આપવામાં આવી છે. સાથે જિલ્લામાં રસ્તાઓ પર ઓવર ટેપિંગને કારણે માનવ મૃત્યુની દુર્ઘટના ન બને તે ધ્યાને લઈ તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારોને આવા સ્થળોએ તકેદારીના પગલા સુનિશ્ચિત કરી જરૂરી પગલાંઓ લેવા જણાવાયું છે.
વલસાડ જિલ્લા પુર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ, આજે તા.૨/૭/૨૦૨૬ ના રોજ સવારે ૬ થી સાંજના ૪ વાગ્યા દરમિયાન તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ઉમરગામ તાલુકામાં ૩૦ મી.મી., વલસાડમાં ૨૪ મીમી, નાનાપોઢામાં ૨૨ મી.મી., કપરાડામાં ૧૪ મી.મી., પારડીમાં ૧૧ મી.મી. વાપીમાં ૧૦ મી.મી. અને ધરમપુરમાં સૌથી ઓછો ૪ મી.મી. વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં અત્યાર સુધી મોસમનો સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં ૪૪૩ મી.મી. એટલે કે ૧૭ ઇંચ જેટલો વરસાદ વરસી ચુકયો છે. જયારે વાપીમાં ૩૦૦ મી.મી., વલસાડમાં ૨૬૦ મી.મી., પારડીમાં ૨૩૩ મી.મી., નાનાપોઢામાં ૧૨૨ મી.મી., કપરાડામાં ૧૧૬ મી.મી.અને ધરમપુર તાલુકામાં ૧૧૨ મી.મી. વરસાદ નોંધાયો છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!