વાલરામ શતાબ્દી મહોત્સવ અંતર્ગત સરદાર હાઇટ્સમાં સ્નેહ સંસ્થાનો ભવ્ય રક્તદાન કેમ્પ

ગુજરાત એલર્ટ | વલસાડ
વાલરામ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ચાલી રહેલી સત્કર્મ શૃંખલાની કડીરૂપે આજરોજ તા. ૨૧/૧૨/૨૦૨૫ ના રોજ સરદાર હાઇટ્સ, વલસાડ ખાતે સ્નેહ સંસ્થા દ્વારા વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવતાની ભાવનાથી પ્રેરિત આ કેમ્પને સમાજમાંથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો.
આ સેવાકીય કાર્યક્રમમાં જ્યંતિ દામા, ધર્મિષ્ઠાબેન કાનજીભાઈ મંગે પરિવાર, કલ્યાણ ભાનુશાલી, કિશોર ખીચડા તથા ભીષ્મભાઈ સહયોગી બન્યા હતા. સંસ્થાના પ્રમુખ પિનાકિનભાઈ કોઠી, રાજેશ મંગે તથા સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ રક્તદાન કેમ્પ દરમિયાન કુલ ૧૨૫ બોટલ રક્ત એકત્રિત થયું હતું, જે એક નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે.

સ્નેહ સંસ્થા માત્ર રક્તદાન સુધી સીમિત ન રહી, પરંતુ વર્ષભર સમાજના વિવિધ વર્ગોની સેવા માટે અવિરત કાર્યરત રહે છે. સંસ્થા દ્વારા દર ગુરુવારે ભિક્ષુકોને સવારે ગરમ અલ્પહાર આપવામાં આવે છે, જ્યારે દર મહિનાના છેલ્લા રવિવારે ગૌસેવા કરવામાં આવે છે. આશ્રમશાળાઓમાં જરૂરિયાત મુજબ અન્ન સહાય પૂરી પાડવામાં આવે છે તેમજ છોકરાઓ માટે કપડાં, છોકરીઓ માટે કપડાં અને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવે છે.
જરૂરિયાતમંદને મેડિકલ સહાય, બાળકોને ભણતર ફી માટે સહાય તેમજ બ્લડની તાત્કાલિક જરૂરિયાત વખતે મદદ પહોંચાડવામાં સંસ્થા હંમેશા આગળ રહે છે. વર્ષમાં બે વખત રક્તદાન કેમ્પનું આયોજન થાય છે. કોઈપણ પ્રસંગે બચેલું જમવાનું જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાનું સેવાકાર્ય પણ સંસ્થા દ્વારા નિયમિતપણે કરવામાં આવે છે.
નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં નોટબુક અને સ્ટેશનરીનું વિતરણ, અબોલા જીવ માટે પાણીના કુંડાનું વિતરણ, વૃક્ષારોપણ કાર્યક્રમ, વર્ષમાં એક વખત સર્વપિતૃ શ્રાદ્ધ જમણવાર બાળકો માટે, દિવાળીમાં આશ્રમશાળાના બાળકોને નવા કપડાં અને મીઠાઈનું વિતરણ જેવા અનેક માનવતાભર્યા કાર્યો સંસ્થા કરે છે. ચક્ષુદાન, દેહદાન, અંગદાન અને રક્તદાન માટે સંકલ્પ ફોર્મ અને જાગૃતિ કાર્યક્રમો, નિઃશુલ્ક મહિલા આરોગ્ય જાગૃતિ માર્ગદર્શન સેમિનાર તેમજ ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ અને તેમના પેરેન્ટ્સ માટે ભણતર ઉપયોગી નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર પણ યોજવામાં આવે છે.
સેવા, સંવેદના અને સમાજ પ્રત્યેની જવાબદારીના ભાવ સાથે કાર્યરત સ્નેહ સંસ્થા વલસાડ જિલ્લામાં એક પ્રેરણારૂપ સેવાસંસ્થા તરીકે પોતાની ઓળખ મજબૂત બનાવી રહી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!