ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, માહિતી નિયામકશ્રીની કચેરી ગાંધીનગર તથા વલસાડ જિલ્લા માહિતી કચેરી અને વલસાડ રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ‘ફીટ ઇન્ડિયા, ફીટ મીડિયા’ થીમ હેઠળ વલસાડ જિલ્લાના પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો માટે વલસાડ રક્તદાન કેન્દ્ર અને વાપીના સેલવાસા રોડ ખાતે આવેલા રાજસ્થાન ભવન ખાતે નિ:શુલ્ક મેડિકલ હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં ૫૮ થી વધુ પત્રકાર મિત્રો અને માહિતીકર્મીઓનું બ્લડ ટેસ્ટ, લિપિડ પ્રોફાઈલ, બ્લડ પ્રેશર, સુગર, કીડની ફંક્શન, હાડકાં અને થાઈરોઇડની તપાસ તેમજ વિટામિન બી૧૨, વિટામિન ડી૩ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સાથે સાથે ઇસીજી તથા એક્સ રે પણ કરાવવામાં આવ્યા હતા.
આ તકે ઈ.ચા. નાયબ માહિતી નિયામકશ્રી ઉમેશ બાવીસાએ જણાવ્યું કે, સરકારી યોજનાઓ, પ્રજાલક્ષી ઝુંબેશો અને લોકકલ્યાણકારી કાર્યક્રમોને પ્રજા સુધી પહોંચાડવા માટે પત્રકાર મિત્રોનો સહકાર પ્રશંસનીય છે. આજના ઝડપી અને તણાવભર્યા જીવનમાં પત્રકારો પોતાના આરોગ્યની કાળજી રાખવા રજ્ય સરકાર વ્હારે આવી છે.
જિલ્લાના મીડિયાકર્મીઓ દ્વારા પણ સરકારની પત્રકારોના સ્વાસ્થ્યની ચિંતાને લઈને આયોજિત આરોગ્ય તપાસણી કેમ્પની સરાહના કરી હતી.
