ગુજરાત એલર્ટ | વલસાડ
વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં બલીઠા પાસે નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકસભા દંડક અને સાંસદશ્રી ધવલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રૂ. ૧૯.૭૧ કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે વાપી મહાનગરપાલિકાના રૂ. ૩૨.૨૩ કરોડના વિકાસ કાર્યોના ખાતમુહુર્ત અને રૂ. ૨૫.૩૯ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ અંડરપાસ બનવાથી શહેરીજનોની ઘણા સમયની રાહનો અંત આવ્યો છે. શહેરીજનોની ટ્રાફિક સમસ્યાઓ પણ હલ થશે. વાપી મહાનગર પાલિકા એ જે રીતે કામનું એક્ઝીક્યુશન કરીને મોટાભાગના કામો પૂર્ણ કર્યા છે. પીવાના પાણી માટે ડુંગરા ખાતે વ્યવસ્થા કરી હતી તે પ્રોજેક્ટ પણ એપ્રિલ સુધીમાં પૂર્ણ થઈ જશે તેથી પાણીની પણ કોઈ સમસ્યા પણ હંમેશા માટે ઉકેલાઈ જશે. મહાનગરપાલિકામાં ઉમેરાયેલા ગામોમાં ત્રણ વર્ષ સુધી કોઈ જ ટેક્સ વધારો કરવામાં આવ્યો નથી. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં શહેરોના વિકાસ માટે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની શરૂઆત કરાવી હતી જેના કારણે અનેક શહેરોનું અદભૂત વિકાસ થયો છે.

અને હવે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વર્ષ ૨૦૨૫માં આ યોજનાના ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે શહેરી વિકાસ વર્ષ જાહેર કરીને રૂ.૩૦ હજાર કરોડ સમગ્ર ગુજરાતના શહેરોના વિકાસ માટે વાપર્યા છે. હાલમાં આ વિકાસકાર્યો મુખ્યમંત્રી સ્વયં શહેરી વિકાસ યોજનામાંથી કરવામાં આવે છે. આ વર્ષે પણ એનું બજેટ રૂ.૩૪૦૦૦ કરોડ કરવામાં આવ્યું છે. તેથી આપણે આપણા વિસ્તારના વિકાસ માટે રાહ જોવાની જરૂર નથી. માત્ર યોગ્ય પ્લાનિંગ કરવાની જરૂર છે.

સાંસદશ્રી ધવલભાઈ પટેલે અંડરપાસની સુવિધાના અભિનંદન પાથવતા પ્રાસંગિક ઉદબોધન કરી સરકારની વિકાસગાથા વર્ણવી હતી. વાપી મહાનગરપાલિકા કમિશનરશ્રી યોગેશ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કરી સૌને આવકાર્યા હતા.

કાર્યક્રમમાં વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરશ્રી આસ્થા સોલંકી, વાપી તાલુકા સંગઠન પ્રમુખ મનીશ પટેલ, તાલુકા શહેર પ્રમુખ સમય પટેલ, વીઆઈએ પ્રમુખ શૈલેશ પટેલ અને માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી જતિન પટેલ સહિત અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
