વલસાડ ખાતે નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે નવનિર્મિત અતુલ વિંગ રેલવે ઓવરબ્રીજનું લોકાર્પણ: વલસાડની સુવિધાઓ વધારવા માટે જે પણ દરખાસ્તો આવશે તેને ધ્યાનમાં લેવાની ખાતરી આપું છું – મંત્રીશ્રી કનુભાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ ખાતે નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકસભા દંડક અને સાંસદશ્રી ધવલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નવનિર્મિત વલસાડ રેલવે ઓવરબ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વલસાડ રેલવે ઓવરબ્રીજ (એલસી-૯૮) ટીયર – ૨, ફેઝ – ૧, અતુલ વિંગ ઓવરબ્રીજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાતા વાહનચાલકોને પરિવહનમાં સરળતા મળશે તેમજ ટ્રાફિક સમસ્યા ઉકેલાશે.

મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, જ્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી બની ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું ત્યારથી ગુજરાતનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. તેમણે દેશનું સુકાન સંભાળી સમગ્ર દેશના વિકાસની ગાથા આગળ વધારી રહ્યા છે. વલસાડની સુવિધાઓ વધારવા માટે જે પણ દરખાસ્તો આવશે તેને ધ્યાનમાં લેવાની ખાતરી આપું છું. મંત્રીશ્રીએ રેલવે ઓવરબ્રીજના લોકાર્પણની શહેરેજનોને શુભેચ્છા પાઠવી હતી અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ ખુશી પણ વ્યક્ત કરી હતી.

સાંસદશ્રી ધવલભાઈ પટેલે લોકાર્પણ પ્રસંગે કહ્યું હતું કે, ભારત, ગુજરાત અને વલસાડના વિકાસ માટે સરકાર નિરંતર પ્રયત્નો કરે છે. ભારતનો વિશ્વભરમાં ડંકો વાગે તેવા કાર્યો કરી રહ્યા છીએ. તેથી જ દિલ્હીમાં પણ ગ્લોબલ એઆઈ સમિટનું આયોજન ભારત સરકારે કર્યું હતું. અ ઓવરબ્રીજથી લોકોની સુખાકારીમાં વધારો થશે. લોકોની વર્ષો જૂની માંગ સંતોષાશે તેમજ ટ્રાફિક સામસ્યાનો પણ અંત આવશે.
વલસાડ ધારાસભયશ્રી ભરતભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ કાર્યપાલક ઈજનેરશ્રી જતિનભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી લોકાર્પણ કાર્યની રૂપરેખા આપી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ઉમરગામ ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર, કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મીનાબેન ઠકોર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડેલ, કલેક્ટરશ્રી ભવ્ય વર્મા, પ્રાંત અધિકારી વિમલ પટેલ, સહિત અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!