ગુજરાત એલર્ટ | વલસાડ
વાપી નોટીફાઇડ અને સરીગામ જી. આઇ. ડી. સી. ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ., દ્વારા આસિસ્ટન્ટ ફોર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફાસ્ટ્રકચર યોજના(એ. આઇ. આઇ.) યોજના અંતર્ગત ભારે દબાણ અને હળવા દબાણની વીજ લાઇનને અન્ડર ગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવાની પૂર્ણ થયેલ કામગીરીનું રાજયના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આખા દેશમાં વીજળીની પૂર્તતા આપવી, વીજળીની કવોલીટી આપવી અને વીજબીલની વસૂલાત કરવી એવા અનેક પાસાઓમાં સમગ્ર ભારતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની સમગ્ર દેશમાં ચાલુ વર્ષે પ્રથમ ક્રમે આવી છે. છેલ્લા દસ વર્ષથી રેટિંગ થાય છે અને દસ વર્ષથી એ પ્લસ રેટિંગ તો આવે જ છે પરંતુ આ વર્ષે ૪૨ જેટલી વીજકંપનીઓનું રેટિંગ કરવામાં આવ્યું છે તેમાં દક્ષિણ ગુજરાતવીજ કંપનીને પ્રથમ, મધ્ય ગુજરાતને દ્વિતીય, ઉત્તર ગુજરાત વીજ કંપનીને તૃતીય અને પશ્મિમ ગુજરાત વીજ કંપનીને ચોથો નંબર પ્રાપ્ત થયો છે. દ. ગુ. વીજ કંપનીનો પ્રથમ નંબર આવતા મંત્રીશ્રીએ વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા. મંત્રીશ્રીએ વીજ કંપનીના કર્મચારીઓની સાથે ગ્રાહકને પણ આ અભિનંદનને પાત્ર ગણાવ્યા હતા કારણ કે, તેઓ સમયસર બીલ ભરે છે તેના લીધે જ આપણને એ રેટિંગ મળે છે. દરેક વીજ વપરાશકારોને જો તેઓ નવા સ્માર્ટ મીટર લગાવશે તો બે ટકા રીફંડ પણ આપવામાં આવશે તો તેનો લાભ લેવા માટે મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ વાપી નોટીફાઇડ એરિયામાં રૂા. ૧૧.૮૫ કરોડની ભારે દબાણની ૩૪ કિ. મી. અને હળવા દબાણની ૬.૦૮ કિ. મી. ઓવરહેડ વીજલાઇનને અન્ડર ગ્રાઉન્ડમાં કેબલીંગમાં રૂપાંતરિત કરવામાં આવી છે. જેનાથી આ વિસ્તારના ૧૦,૭૧૭ રહેણાંક, ૨૪૭૩ વાણિજય અને ૫૨ ઔદ્યોગિક વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજ પુરવઠો મળશે. સરીગામ જીઆઇડીસી વિસ્તારમાં રૂા. ૩૫ કરોડના ખર્ચે ભારે દબાણની ૧૩૩ કિ. મી. ઓવરહેડ વીજ લાઇનને અન્ડર ગ્રાઉન્ડ કેબલીંગમાં રૂપાંતર કરવામાં આવી છે. જેનાથી આ વિસ્તારના ૩૫૬ ઔદ્યોગિક અને ૧૮૨ ભારે દબાણના વીજ ગ્રાહકોને વધુ સાતત્યપૂર્ણ તથા ગુણવત્તાસભર વીજપુરવઠો મળશે.
વાપી નોટીફાઇડ વિસ્તારમાં ગુંજન પોલીસ સ્ટેશન નજીક યોજાયેલા કાર્યક્રમમાં ડીજીવીસીએલના મુખ્ય ઇજનેરશ્રી જે. એસ. કેદારીયાએ સ્વગત પ્રવચન કર્યુ હતુ. વી. આઇ. એ. ના પ્રમુખ સતીષભાઇ પટેલ, વાપી નોટીફાઇડ બોર્ડના ચેરમેન યોગેશભાઇ કાબરીયા, નોટીફાઇડના માજી પ્રમુખ હેંમતભાઇ પટેલ, વી. આઇ. એ. માજી પ્રમુખ કમલેશભાઇ પટેલ, વી. આઇ. એ. ના એડવાઇઝરી બોર્ડના મિલનભાઇ દેસાઇ, સંગઠન પ્રમુખ કમલેશભાઇ પટેલ, શિલ્પેશ દેસાઇ, નોટીફાઇડ ચીફ એન્જીનીયર ડી. બી. સગર અને વાપી નોટીફાઇડના નગરજનો હાજર રહયા હતા.જયારે સરીગામ ખાતેના કાર્યક્રમમાં એસ. આઇ. એ. ના માજી પ્રમુખ શીરીષ દેસાઇ તેમજ સરીગામ જીઆઇડીસીના ઉદ્યોગકારો હાજર રહયા હતા.