વલસાડ જિલ્લામાં પૂરગ્રસ્ત શાળાઓ માટે શિક્ષણ વિભાગ એક્શનમાં: કુલ ૭,૨૦૧ વિદ્યાર્થીઓને નવા પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાશે

ગુજરાત એલર્ટ | વલસાડ
છેલ્લા ચારથી પાંચ દિવસ દરમિયાન વલસાડ જિલ્લામાં પડેલા અતિભારે વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારો તેમજ શાળાઓ અસરગ્રસ્ત બની છે. વલસાડ શહેરની અનેક શાળાઓમાં પૂરનું પાણી ઘૂસી જતાં શૈક્ષણિક કામગીરીને અસર પહોંચી હતી.
જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલ દ્વારા વલસાડના બંદર રોડ પર સ્થિત શાહ કે.એમ.એસ. હાઈસ્કૂલ, પારડી સાંઢપોરની કૈલાસ ઓવારા હાઈસ્કૂલ અને ભદેલીની સાર્વજનિક હાઈસ્કૂલ સહિત અન્ય અસરગ્રસ્ત શાળાઓની સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી થયેલા નુકસાનની વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. પૂરના કારણે વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકોને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની વિગતો એકત્રિત કરીને ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળને મોકલી આપવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને શક્ય તેટલી વહેલી તકે નવા પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવી શકાય.
વલસાડ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના કુલ ૨,૫૧૦ વિદ્યાર્થીઓને નવા પાઠ્યપુસ્તકોની જરૂરિયાત નોંધાઈ છે, જેમાં ધોરણ ૯ના – ૭૧૫ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૦ના – ૬૩૪ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૧ (સામાન્ય પ્રવાહ)ના – ૬૧૮ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૧ (વિજ્ઞાન પ્રવાહ)ના – ૬૦ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ (સામાન્ય પ્રવાહ)ના – ૪૩૦ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ના – ૫૩ વિદ્યાર્થીઓનો નવા પુસ્તકો આપવામાં આવશે. આ ઉપરાંત પ્રાથમિક વિભાગના કુલ ૪,૬૯૧ વિદ્યાર્થીઓ માટે પણ નવા પાઠ્યપુસ્તકોની માંગણી કરવામાં આવી છે. આ રીતે જિલ્લાના કુલ ૭,૨૦૧ વિદ્યાર્થીઓને નવા પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેથી કોઈપણ વિદ્યાર્થીના અભ્યાસમાં વિક્ષેપ ન આવે.

જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલે જણાવ્યું કે, આપત્તિ ગમે તેવી હોય, પરંતુ બાળકોનું શિક્ષણ અટકવું જોઈએ નહીં. દરેક અસરગ્રસ્ત વિદ્યાર્થીને સમયસર નવા પાઠ્યપુસ્તકો અને જરૂરી શૈક્ષણિક સહાય ઉપલબ્ધ કરાવવાની સાથે સુરક્ષિત વાતાવરણમાં શિક્ષણ મળી રહે તે માટે શિક્ષણ વિભાગ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

તમામ શાળાઓમાં સેનિટાઈઝેશનની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સૂચના અપાઈ
વલસાડ જિલ્લાની પૂરગ્રસ્ત શાળાઓમાં હાથ ધરવામાં આવેલી સ્વચ્છતા, સેનિટાઈઝેશન તથા જરૂરી રિપેરિંગ અને પુનઃસ્થાપનની કામગીરીનું પણ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી રાજેશ્રી ટંડેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તમામ શાળાઓમાં સેનિટાઈઝેશનની કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને સુરક્ષિત વાતાવરણમાં શૈક્ષણિક કાર્ય પુનઃ શરૂ થઈ શકે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જે શાળાઓમાં હાલ શૈક્ષણિક કાર્ય શરૂ કરવું શક્ય નથી, ત્યાંના વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન થાય તે માટે જરૂરિયાત મુજબ નજીકની અન્ય શાળાઓમાં વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ શિક્ષણ કાર્ય ચાલુ રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે. શાળાઓ સંપૂર્ણપણે કાર્યરત બનતા જ નિયમિત શિક્ષણ શરૂ કરવામાં આવશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!