કોંગ્રેસવાળા “VB-G RAM G” બિલ વિશે ખોટી વાતો કરે છે. આ બિલ 100 ને બદલે 125 દિવસ રોજગારીનું વચન આપે છે: કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ

ગુજરાત એલર્ટ | વલસાડ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી અને આજીવિકાની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુ સાથે ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવનાર ‘વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરેન્ટી (ગ્રામીણ) – VB-G RAM G’ બિલ અંગે વિગતવાર માહિતી આપવા માટે વલસાડ સર્કિટ હાઉસ ખાતે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ મુખ્યત્વે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાએ ઉપસ્થિત તમામ મીડિયાકર્મીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી સોનલબેન સોલંકી, તથા ધારાસભ્યશ્રીઓ શ્રી ભરતભાઇ પટેલ અને શ્રી જીતુભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

સાંસદ શ્રી ધવલભાઈ પટેલે VB-G RAM G યોજનાના મુખ્ય પાસાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, નવા બિલની મુખ્ય જોગવાઈઓ મનરેગા હેઠળ અગાઉ ૧૦૦ દિવસની રોજગારી મળતી હતી, જે હવે વધારીને ૧૨૫ દિવસ કરવામાં આવી છે, મજૂરોની હાજરી હવે મેન્યુઅલને બદલે બાયોમેટ્રિક અને ડિજિટલ રીતે લેવામાં આવશે, જેથી ગેરરીતિ અટકાવી શકાય, દરેક કામનું જીઓ-ટેગિંગ અને ફોટા અપલોડ કરવામાં આવશે, જેથી ખરેખર થયેલા કામના જ નાણાં ચૂકવાય તેની ખાતરી કરી શકાય, મજૂરોનું પેમેન્ટ હવે સીધું જ તેમના બેંક ખાતામાં (Direct Benefit Transfer) જમા થશે. પહેલા પેમેન્ટમાં મહિનાઓ નીકળી જતા હતા, પરંતુ હવે કામ પૂરું થયાના ૭ દિવસમાં જ મજૂરના ખાતામાં નાણાં જમા કરવાની ગેરંટી આપવામાં આવી છે, મનરેગામાં ૨૬૦ જેટલા કામો હતા, જ્યારે આ નવા બિલમાં ૪ મુખ્ય ક્ષેત્રો (જેમ કે જળ સંરક્ષણ અને ગામની અસ્કયામતોનું નિર્માણ) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, ૧૨૫ દિવસ પછી જો કામ ન મળે, તો બેરોજગારી ભથ્થું આપવાની પણ જોગવાઈ છે.

કેબિનેટ મંત્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી શ્રી નરેશભાઈ પટેલે આ બિલ અંગેની તકનીકી અને વહીવટી વિગતો આપતા જણાવ્યું હતું કે, આ યોજના દ્વારા ગ્રામીણ યુવાનો અને શ્રમિકોને રોજગારીની ગેરેન્ટી આપવામાં આવશે, જે ‘વિકસિત ભારત 2047’ ના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કોંગ્રેસ દ્વારા ખોટી વાતો ઉપજાવવામાં આવી છે. હકીકતમાં ભારત સરકાર દ્વારા ગ્રામીણ વિકાસ અને મજૂરોને સદ્ધર બનાવવાના હેતુથી વીબીજી રામજી અધિનિયમ ૨૦૨૫ ને મંજૂરી આપવામાં આવી છે. આ અધિનિયમ જૂની મનરેગા યોજનામાં મહત્વપૂર્ણ સુધારા કરીને અમલમાં મૂકવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મજૂરોને વધુ રોજગારી અને ગામડાઓનો સર્વાગી વિકાસ કરવાનો છે.

આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપના મહામંત્રીઓ શ્રી કમલેશભાઇ પટેલ, શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ, શ્રી હાર્દિકભાઈ શાહ, જિલ્લા મીડિયા કન્વીનર દિવ્યેશ પાંડે અને જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી હાજર રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!