સનદી અધિકારીઓને જનસેવાની ઉત્તમ તક મળી છે: આ તકને ઉચ્ચ ક્ષમતા વિકસાવીને સમાજના નાના માણસોને મદદરૂપ બનો: પૂ. ગુરુદેવ રાકેશજી

ગુજરાત એલર્ટ | વલસાડ
“સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ” થીમ આધારિત ૧૨મી ચિંતન શિબિરમાં ધરમપુરના શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે રાજસભા ગૃહમાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધરમપુરના સ્થાપક પૂ. ગુરૂદેવ શ્રી રાકેશજીએ આધ્યાત્મિક પ્રવચનમાં સનદી અધિકારીઓને જનસેવાની ઉત્તમ તક મળી છે, ત્યારે આ તકને ઉચ્ચ ક્ષમતા વિકસાવીને સમાજના નાના માણસોને મદદરૂપ બનવા જણાવ્યું હતું. તેમણે જીવનમાં ઉતારવા જેવી ચાર શીખ આપી હતી સાથે જ તનાવમુક્ત જીવન જીવવા માટે મનનીય અને ગહન વિચારો વ્યક્ત કર્યા હતા. મુખ્યમંત્રીશ્રી સહિત મંત્રીમંડળના સભ્યો અને સનદી અધિકારીઓએ પ્રવચનને માણ્યું હતું.

શ્રી રાકેશજીએ જણાવ્યું કે, આપણે સ્વીકારી લેવું જોઈએ કે દરેક બાબતને નિયંત્રિત કરી શકાતી નથી. જે વસ્તુઓ તમારા નિયંત્રણમાં નથી, તેના વિશે ચિંતા કરવાનું છોડી દો. આપણું જીવન સ્ટ્રેસફૂલ બની રહ્યું છે કારણ કે, રોજ નવી ચેલેન્જ, ડેડલાઈન, હાર્ડ વર્ક, સતત તણાવના કારણે માનસિક તણાવ વધી રહ્યો છે. તેની સામે આપણે આપણી આંતરિક શક્તિ અને મજબૂત મનોબળ વધારવાની જરૂર છે, તેનાથી સ્ટ્રેસ લેવલ ઘટી જશે. જીવનમાં ખુશી અને શાંતિ ન ભુલાવી જોઈએ. સમયસર કામ કરવાથી તણાવ ઓછો થાય છે.

શ્રીમદ રાજચંદ્ર વચનામૃતનું પઠન કરી શ્રી રાકેશજીએ વધુમાં જણાવ્યુ કે, મનોરંજન માટે થિયેટર, એમ્યુઝમેન્ટ પાર્ક અને ટેકનોલોજી સહિત ઘણું બધું છે, છતાં લોકો ડિપ્રેશન, સ્ટ્રેસનો શિકાર બની રહ્યા છે. આત્મહત્યાને કારણે સૌથી વધુ લોકો જીવ ગુમાવી રહ્યા છે. જાહેર જીવનમાં સફળતા મળતી હોય છે પણ અંગત જીવનમાં નિષ્ફળતા મળી રહી છે.

ગુરુદેવ રાકેશજીએ ઉપસ્થિત સૌને અધિકારીઓને જીવનમાં ઉતારવાની ચાર શીખ; ડાહ્યા થવા- દ્રષ્ટિકોણ બદલવા અને ગંભીરતા ઘટાડવા, રમત ગમતને અપનાવવા, કુટુંબમાં સ્નેહભાવ વધારવા, જીવનમાં ખુમારી, આત્મશક્તિ અને આંતરિક આનંદ મેળવવા શીખ આપી હતી.
શ્રી આત્માર્પિત નેમીજીએ સ્વાગત ઉદ્દબોધન કરી સૌને આવકાર્યા હતા. મુખ્યમંત્રીશ્રી એ ગુરુદેવ રાકેશજીને શાલ ઓઢાડી મેમેન્ટો આપી સન્માન કર્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!