ગુજરાત એલર્ટ | વલસાડ
નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર-વલસાડ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-વલસાડ દ્વારા તા. 01-08-2026ના રોજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ભીલાડ, તા. ઉમરગામ ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-2005 અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં શ્વેતાબેન આર. દેસાઈ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી-વલસાડ દ્વારા મહિલાઓના રક્ષણ, સશક્તિકરણ અને સમાનતા સુનિશ્ચિત કરવા માટે ઘડાયેલા વિવિધ કાયદાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. શ્રી કમલેશ ગીરાસે, દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી-વલસાડ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ-2005 અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ મહિલાઓ પર થતા વિવિધ પ્રકારના અત્યાચાર અને હિંસાના સ્વરૂપો અંગે સમજણ આપવામાં આવી હતી.

જીગ્નેશભાઈ પટેલ, ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર (DHEW), વલસાડ દ્વારા વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તેમજ અન્ય વિવિધ મહિલાલક્ષી સરકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. જીસીલભાઈ, પેરા લીગલ વોલન્ટિયર (PLV), જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA), ઉમરગામ દ્વારા મહિલાઓના કાનૂની અધિકારો, વિવિધ મહિલા સુરક્ષા કાયદાઓ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અમલમાં મુકાતી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
બી. કે. પટેલ, પી.આઈ., વલસાડ દ્વારા પોક્સો એક્ટ, ફેમિલી લૉ જેવા મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. “સખી” વન સ્ટોપ સેન્ટર, વલસાડના કાઉન્સેલર સ્નેહાલીબેન પટેલ દ્વારા સેન્ટરની કામગીરી અને મહિલાઓને ઉપલબ્ધ સેવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, વાપીના કાઉન્સેલર નેહાબેન પટેલ દ્વારા પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટરની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી.
સેમિનારનો મુખ્ય હેતુ મહિલાઓના તેમના કાનૂની અધિકારો અંગે માહિતગાર કરી મહિલા સુરક્ષા, સશક્તિકરણ અને ન્યાય સુધીની પહોંચને પ્રોત્સાહન આપવાનો હતો.
આ કાર્યક્રમમાં SHE TEAM પોલીસ – વલસાડ, કોલેજના આચાર્યશ્રી, શિક્ષકગણ, ડી.એચ.ઈ.ડબ્લ્યુ. કર્મચારી તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિતોને વિવિધ સરકારી યોજનાઓ સંબંધિત પેમ્પલેટ અને માહિતી ફોલ્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
