રમકડાં સાથે રમવાની ઉંમરે કપરાડા તાલુકાની ચાવશાળા પ્રાથમિક શાળાની દીકરીઓએ ઇતિહાસ રચ્યો: વિષમ પરિસ્થિતિ વચ્ચે અવિરત મહેનત અને નિયમિત પ્રેક્ટિસ કરી અસાધારણ સફળતા મેળવી

ગુજરાત એલર્ટ | વલસાડ
વિષમ પરિસ્થિતિ અને ભૌગોલિક સ્થિતિ પડકારજનક હોય તેવા સંજોગોમાં પ્રચંડ પુરૂષાર્થ અને અવિરત મહેનત દ્વારા નાની દીકરીઓ રમતગમતમાં સફળતા મેળવે તો ઈતિહાસ રચાય છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દુર્ગમ વિસ્તારમાં આવેલા ચાવશાળા ગામની પ્રાથમિક શાળાની ધો. ૪ ની બે વિદ્યાર્થિની એ દોડમાં મેદાન મારી ઝળહળતી સફળતા મેળવી છે. આ જીત માત્ર એક સ્પર્ધાની નથી, આ જીત છે સપનાઓ પર વિશ્વાસ રાખવાની, નાની ઉંમરમાં મોટું સપનું જોવાની અને અશક્યને શક્ય બનાવાની. આ દીકરીઓએ સાબિત કર્યું છે કે, ઉંમર નહીં, પરંતુ હિંમત મહત્વની હોય છે. આ સફળતા માત્ર તેમની નથી પરંતુ સમગ્ર આદિવાસી સમાજની છે. આ વિજય દરેક દીકરીને પ્રેરણા પુરી પાડે છે, જે સપનાઓ જોઈ શકે છે પરંતુ સંજોગોથી ડરે છે.

સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ખાતે રાજ્ય સરકારની ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા સીધી રાજ્ય કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા ૪.૦નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંડર- ૯માં ૨૦૦ મીટર દોડમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ અને પહાડો વચ્ચે ઘેરાયેલી ચાવશાળા પ્રાથમિક શાળાની ધો. ૪માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સ્નેહલ પિન્ટુભાઈ બામને એ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી વલસાડ જિલ્લાનું નામ ઝળહળતુ કર્યુ છે. જ્યારે અંડર -૯માં ૧૦૦ મીટર દોડમાં ધો. ૪ની વિદ્યાર્થિની યશવીની રમેશભાઈ ચૌધરી એ સમગ્ર ગુજરાતમાં ચોથો ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. થોડા દિવસ અગાઉ આ જ સ્પર્ધામાં બાળ રમતવીર સાહિલ પ્રકાશભાઈ ચૌધરી એ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક અને સાહિલ લક્ષ્મણભાઈ જાદવે ૧૦૦ મીટર દોડમાં રાજ્ય કક્ષાએ ૧૧મું સ્થાન પ્રાપ્ત કરી શાળાનું તથા જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ રોશન કર્યું છે.

ચાવશાળા પ્રાથમિક શાળાના આચાર્યા હિરલ પટેલ જણાવે છે કે, “When determination runs faster than difficulties, history is created. આ વિધાનને મારી શાળાની ધો. ૪ ની વિદ્યાર્થિની સ્નેહલ અને યશવીનીએ સાર્થક કરી બતાવી ઈતિહાસ રચ્યો છે. વર્ષ ૨૦૨૫-૨૬ માં આ શાળાના કુલ ૧૫ બાળકોએ રાજ્ય કક્ષાએ એથ્લેટિક્સમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી ૨૦૦ મીટર દોડમાં બે બાળકો પ્રથમ ક્રમ, ૧૦૦ મીટર દોડમાં ચોથો ક્રમ તથા અગિયારમો ક્રમ મેળવી ચૂક્યા છે. સાથે સાથે સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા આયોજિત સાંસદ ખેલ મહોત્સવમાં પણ એથ્લેટિક્સ વિભાગમાં સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે શાળાની બે દીકરીઓ ૨૦૦ મીટર દોડમાં દ્વિતીય અને ૧૦૦ મીટર દોડમાં પણ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યુ છે. શાળાના બાળકોની પ્રતિભા બહાર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલમહાકુંભ અને સાંસદ ખેલ મહોત્સવ એ અગત્યનો ભાગ ભજવ્યો છે. દીકરીઓની આ સિધ્ધિ બદલ કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી હીરાબેન માહલા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનોજભાઈ ટંડેલ તથા બીઆરસી કો-ઓર્ડિનેટર શ્રી સંજય મકવાણાએ તમામ વિદ્યાર્થી તથા શાળાના સમગ્ર સ્ટાફની ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ચાવશાળા પ્રાથમિક શાળા દ્વારા સપ્તાહમાં ૪૫ મીનિટના છ પિરીયડ વ્યાયામ (રમત)ના લેવામાં આવે છે. આ સિવાય રોજ સવારે અને સાંજે અડધો કલાક નિયમિત પ્રેકટીસ કરાવવામાં આવે છે. બાળકોમાં રમત પ્રત્યે એટલો બધો લગાવ છે કે તેઓ શનિ અને રવિવારની રજામાં પણ ઘરે પોતાના ખેતરમાં પણ નિયમિત પ્રેકટીસ કરતા હોય છે. આજે તેમની આ મહેનત સફળતાને જઈને વરી છે.

ખેલ સહાયકની ભરતી કરવાના રાજ્ય સરકારનો નિર્ણય સાર્થક પૂરવાર થયો
બાળ એથ્લેટિક્સને તૈયાર કરનાર ખેલ સહાયક ચેન્દરીબેન રામજીભાઈ જાદવ જેઓ પોતે સગર્ભા હતા અને ચાર દિવસ પહેલા બાળકને જન્મ આપ્યો છે. તેઓ ૮-૯ માં મહિનાની ગર્ભાવસ્થા ધરાવતા હતા ત્યારે પણ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર ટાઢ હોય કે તડકો હોય કે વરસાદ હોય સતત બાળકોને નિયમિત પ્રેકટીસ કરાવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ચન્દેરી જાદવ પણ આ જ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની છે જે રાષ્ટ્રીય કક્ષાએ ખેલમહાકુંભમાં દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા થયા હતા. રાજ્ય સરકારે જે સરકારી શાળામાં ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ હોય ત્યાં ૧૧ માસના કરાર આધારિત ખેલ સહાયકની ભરતી કરવાનો નિર્ણય લેતા ચેન્દરીબેનની આ શાળામાં નિમણૂક થઈ હતી. આ સફળતામાં તેમનો રમત પ્રત્યેનો પ્રેમ અને પોતાના કાર્ય પ્રત્યેની નિષ્ઠાના પણ દર્શન થાય છે. આ તબક્કે આચાર્યા હિરલ પટેલે ખેલ સહાયકની ભરતી કરવા બાબતે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ખેલ સહાયકની નિમણૂકથી શાળા સતત રાજ્ય કક્ષાએ ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે.

પ્રતિભા સંપન્ન ચાવશાળાના ચાર બાળકોએ ડીએલએસએસ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો
વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી બાળકોમાં રમત ગમત ક્ષેત્ર એ આગળ વધવાની અપાર ક્ષમતા અને પ્રતિભા હોવાથી તેઓને વધુ સુવિધા મળે તે માટે જિલ્લા કક્ષાએ ડીએલએસએસ સ્કૂલ (ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલ)ની શરૂઆત કરવામાં આવી છે. ચાવશાળા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આર્યન, જીતાલી, પાયલ અને કિંજલની પ્રતિભાને ઓળખી તેઓને આ સ્પેશિયલ સ્કૂલમાં વધુ અભ્યાસ માટે મુકવામાં આવ્યા છે, જ્યાં તેઓને મનગમતી રમતમાં આગળ વધવા માટે પ્રેકટીસ, માર્ગદર્શન અને ડાયટ (આહાર)ની પણ વિશેષ કાળજી રાખવામાં આવે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!