એ.આઈ. માત્ર ChatGPT, Gemini અથવા Grok જેવી એપ્સ પૂરતું સીમિત નથી, પરંતુ ડેટા એનાલિસિસ, મશીન લર્નિંગ અને પ્રેડિક્ટિવ મોડલિંગ જેવી વિવિધ આધુનિક પદ્ધતિઓનો સમન્વય છે, જે જાહેર સેવાઓને વધુ અસરકારક બનાવે છે: દેબજાની ઘોષ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે રાજસભા ગૃહમાં રાજ્ય સરકારની ૧૨મી ચિંતન શિબિરમાં નીતિ આયોગના ફેલો અને AI નિષ્ણાત સુશ્રી દેબજાની ઘોષએ “Governance in the Face of Challenges of AI” વિષય પર અને સરળ ભાષામાં ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, AI ઝડપભેર શ્રેણીબદ્ધ વ્યવસાયો અને વિશ્વના અનેક દેશોના અર્થતંત્રોનું ભવિષ્ય ઘડી રહ્યું છે. સરકારની અનેક યોજનાઓના અમલીકરણમાં એઆઈ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે.
ગુજરાત રાજ્ય અન્ય ક્ષેત્રોની જેમ સુશાસન અને વહીવટી સુધારામાં પણ દેશભરમાં અગ્રેસર રહ્યું છે. ગુજરાત સરકારની વહીવટી પ્રક્રિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સકારાત્મક અને વ્યાવહારિક ઉપયોગ થઈ રહ્યો છે એ સરાહનીય છે એમ તેમણે કહ્યું હતું.
સુશ્રી દેબજાની ઘોષે જણાવ્યું કે, એ.આઈ. કોઈ પડકાર નથી, પણ એક તક છે. એ. આઈ. માત્ર ChatGPT, Gemini અથવા Grok જેવી એપ્લિકેશન્સ પૂરતું સીમિત નથી, પરંતુ ડેટા એનાલિસિસ, મશીન લર્નિંગ અને પ્રેડિક્ટિવ મોડલિંગ જેવી વિવિધ આધુનિક પદ્ધતિઓનો સમન્વય છે, જે જાહેર સેવાઓને વધુ અસરકારક બનાવે છે.
તેમણે એ.આઈ.નો ઇતિહાસ સમજાવતા જણાવ્યું કે, ૧૯૫૦ થી એ.આઈ. પ્રચલિત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેનો વ્યાપ અને પ્રભાવ અસાધારણ રીતે વધ્યો છે. હવે એઆઈનો ઉપયોગ કૃષિ, આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ અને પોલિસિંગ જેવા વિસ્તૃત ક્ષેત્રોમાં પણ કાર્યક્ષમતાથી કરી શકાય છે જેની વિસ્તૃત સમજ તેમણે આપી હતી.
શ્રી દેબજાનીએ ભારપૂર્વક જણાવ્યું કે, AI એક શક્તિશાળી ટૂલ છે, જેને ભારતીય પરિપ્રેક્ષ્યમાં ઢાળવાની જરૂર છે. તેની મદદથી છેવાડાના માનવીને પણ સરળતાથી કોઈપણ શાસકીય પ્રક્રિયામાં સહભાગી બનાવી શકાય છે, જે સુશાસન અને સર્વાંગી વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું બનશે.
વર્તમાન સમયમાં એ.આઈ.માં હેક્ટિક એન્જિનિયરિંગની ખૂબ ડિમાન્ડ હોવાનો મત વ્યક્ત કરી કહ્યું કે, આજ સુધી આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર વિવિધ રંગોને જોઈ શકતા હતા, પરંતુ હવે એ જ રંગોને અનુભવી પણ શકીએ છીએ. તેમણે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં એ.આઈ. થકી એગ્રીકલ્ચર રોડ મેપ અને નેશનલ સિક્યુરિટીમાં ખૂબ જ અસરકારક કાર્ય થઈ રહ્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!