ગુજરાત એલર્ટ | વલસાડ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રેરિત અને નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત તથા જિલ્લા આયુર્વેદ અધિકારી, વલસાડના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ અને હોમીયોપેથી દવાખાના હરિયા દ્વારા માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમ અટાર ખાતે રહેતા વૃદ્ધો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અગ્નિકર્મ એ આયુર્વેદમાં જણાવેલી એક વિશિષ્ઠ ચિકિત્સા પદ્ધતિ છે. જે ખાસ કરીને સાંધા અને સ્નાયુના દુખાવામાં ઉપયોગી છે. ઘણા વર્ષો પહેલા આચાર્ય સુશ્રુતે આ ચિકિત્સા પદ્ધતિ વિકસાવેલી છે. પણ સમય જતા તે વિલુપ્ત થઈ ગયી હતી. હમણા છેલ્લા કેટલાક વર્ષો થી ફરી પાછી વિકસિત થઈ છે. વાયુથી થનારા દુખાવામાં (વાતિકશૂળ) વેદનાગ્રસ્ત સ્થાન ઉપર સ્થાનિક અગ્નિકર્મથી સારાં પરિણામો મળે છે. અગ્નિકર્મ એ ખાસ કરીને સાંધા અને સ્નાયુનાં દુખાવામાં પરિણામ આપે છે આથી જેઓને સાંધાના દુખાવા, “વા”નાં રોગો, આમવાત, ગાંઠિયો વા, કમરનાં દુખાવા, સાયટીકા, ફ્રોઝન શોલ્ડરના જેવા દુખાવાઓમાં આ ચિકિત્સા લાભ આપે છે. અગ્નિકર્મ એ દરેક દર્દી પ્રમાણે અલગ-અલગ પરિણામ આપે છે છતાં પણ અગ્નિકર્મનાં પરિણામની શરૂઆત એ માત્ર ૧૦ જ મિનીટમાં આવવાની શરુ થાય છે. સારું પરિણામ મેળવવા માટે અગ્નિકર્મની ૨-૩ વાર ટ્રીટમેન્ટ લેવી પડે છે. અગ્નિકર્મનું સારું પાસું એ છે કે Drug Less Therapy છે, એટલે કે અગ્નિકર્મ કર્યા પહેલાં કે પછી અન્ય ઔષધ દ્રવ્ય લેવાની જરૂર રહેતી નથી. અગ્નિકર્મનો મૂળ આશય દુખાવાને ઓછો કરી એલોપેથીની પેઈન કિલરની ગોળીઓ લેવાતી અટકે અને તેની સાઈડ ઈફેક્ટ થતી અટકાવી શકાય.
આ કેમ્પમાં વૃદ્ધાવસ્થાને લગતી તમામ સમસ્યાઓ માટે સરકારી આયુર્વેદ દવાખાનુ હરિયાના મેડિકલ ઓફિસર વૈદ્ય સ્વાતિ પંચાલ તથા સિવિલ હોસ્પિટલ વલસાડના મેડિકલ ઓફિસર અનિતા બિરારી દ્વારા આયુર્વેદ અને હોમીયોપેથી દવા આપવામાં આવી તથા સાંધાના, કમર અને એડીના દુઃખાવા માટે અગ્નિકર્મ ચિકિત્સા વૈધ દિવ્યા સોલંકી મે.ઓ. સિવિલ હોસ્પિટલ વલસાડ દ્વારા કરી આપવામાં આવી હતી.
