ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ તથા અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગના મંત્રી પી. સી. બરંડાના હસ્તે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને પ્રાકૃતિક કૃષિ પેદાશોને લોકો સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી ધરમપુર પ્રાંત કચેરી ખાતે નવનિર્મિત ‘પ્રભા પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર’નું ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ શોપમાં પ્રાકૃતિક રીતે ઉગાડવામાં આવેલી તાજી શાકભાજી, ફળો, અનાજ અને મધ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત, આ શોપમાં પ્રાકૃતિક ખેતી માટે જરૂરી સામગ્રી જેવી કે ‘ઘન જીવામૃત’, ‘ગૌમૂત્ર’, ‘બીજામૃત’ અને ‘જીવામૃત’ પણ ખેડૂતો અને ગ્રાહકોના વેચાણ માટે મૂકવામાં આવ્યા છે.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શકુંતલાબેન ચૌધરી, વલસાડ કલેક્ટર નીતિન સાંગવાન, જીલ્લા વિકાસ અધિકારી વંદના મીણા, વલસાડ પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, વલસાડ ઉત્તર વિભાગ નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજ, મદદનીશ કલેક્ટર ડૉ. રિતિકા આયમા, વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ, આત્મા સમિતિના ડાયરેક્ટર અરુણ ગરાસિયા ઉપસ્થિત રહ્યા હતા.
