મોબાઈલથી દૂર, પુસ્તકોની દુનિયામાં મસ્ત યુવાધન: મોબાઈલના યુગમાં જ્ઞાનનું મંદિર બની ધરમપુરની ૧૪૦ વર્ષ જૂની લાઈબ્રેરી, ૧૦૧ યુવક-યુવતીના સરકારી નોકરીના સપના થયા સાકાર

ગુજરાત એલર્ટ | વલસાડ
આજના ડિજિટલ યુગમાં યુવાધન મોબાઈલમાં રચ્યુંપચ્યું રહેતું હોવાથી વાંચનનું પ્રમાણ ઘટી રહ્યું છે. ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની એક એવી લાઈબ્રેરી કે, જ્યાં વાંચન માટે યુવાધનની સવારથી જ લાઈન લાગે છે. અહીંનું દ્રશ્ય જોઈ એવુ લાગે કે, સોશિયલ મીડિયાની દુનિયા ભૂલીને યુવાધન વાંચનમાં મસ્ત બન્યુ છે.

સરકારી નોકરી મેળવવાની ઇચ્છા ધરાવતા યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાઈબ્રેરી મહત્વની ભૂમિકા ભજવે છે. ધરમપુર નગરપાલિકા સંચાલિત ૧૪૦ વર્ષ જુની શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરીએ યુવાધનને સફળતાનાં શિખરો સર કરવા પાંખો આપી છે. આ લાઈબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીને અત્યાર સુધીમાં ૧૦૧ યુવક-યુવતીઓએ સરકારી નોકરી મેળવી પોતાનાં સપનાં સાકાર કર્યાં છે અને અન્ય યુવાનોને પ્રેરણા આપી છે, સાથે જિલ્લાનું ગૌરવ પણ વધાર્યું છે.

ધરમપુર નગરી એટલે રજવાડી નગરી. અહીંની મોટાભાગની પ્રજા આદિવાસી હતી. જેથી આ વિસ્તારમાં નિરક્ષરતા દૂર કરવાના હેતુથી રાજવી માહારાણા શ્રી નારણદેવજીએ ૧૪૦ વર્ષ પહેલા એટલે કે, તા. ૦૧/૧૦/૧૮૮૬ના રોજ આ લાઈબ્રેરીની સ્થાપના કરી હતી. દેશ આઝાદ થયા બાદ ધરમપુર રાજ્યનું વિલીનીકરણ થયું અને વર્ષ ૧૯૫૨થી આજદિન સુધી આ લાઈબ્રેરીનો વહીવટ ધરમપુર નગરપાલિકા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યો છે. ૧૪૦ વર્ષ જૂની આ લાઈબ્રેરી આજે વલસાડ જિલ્લાની ધરોહર સમાન બની છે. તેની ઝળહળતી સફળતાથી સમગ્ર જિલ્લો ગૌરવ અનુભવી રહ્યો છે.

આ લાઈબ્રેરીના ગ્રંથપાલ નિમેષભાઈ ભટ્ટ જણાવે છે કે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવક-યુવતીઓ માટે ધરમપુરની આ લાઈબ્રેરી આશીર્વાદ સમાન છે. અહીં મળતી સુવિધાઓને કારણે વલસાડ જિલ્લા ઉપરાંત નવસારી જિલ્લાના ખેરગામ અને વાંસદા તાલુકાના સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો પણ વાંચન માટે આવે છે. દરરોજ ૧૦૦થી વધુ ઉમેદવારોની અવરજવરને કારણે લાઈબ્રેરી સતત ધમધમતી રહે છે. વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ પરીક્ષાલક્ષી પુસ્તકો- ન્યૂઝ પેપરો પણ મંગાવી આપવામાં આવે છે. કુલ ૧૯ હજાર પુસ્તકોના સમૃદ્ધ સંગ્રહ સાથે આ લાઈબ્રેરી વાચકો માટે જ્ઞાનનો ભંડાર બની છે.

ધરમપુર નગરપાલિકાના પ્રમુખ મયંકભાઈ મોદીએ જણાવ્યું કે, લાઈબ્રેરીનો નિયમિત સમય સરકારી સમય મુજબ હોય છે. જોકે, ગરીબ અને આદિવાસી યુવાધનનું ભવિષ્ય ઉજ્જવળ બને, તેમનાં સપનાં સાકાર થાય અને તેઓ સરકારી નોકરી મેળવી શકે તે હેતુથી પરીક્ષાના સમયે વાચકોની માંગ અનુસાર રજાના દિવસોમાં ખુલ્લી રાખવામાં આવે છે. આ લાઈબ્રેરીમાં વાંચન કરીને વર્ષ ૨૦૧૧થી અત્યાર સુધીમાં કુલ ૧૦૧ યુવક-યુવતીઓએ સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-૧થી લઈને વર્ગ-૩ સુધીની વિવિધ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવી છે, જે સમગ્ર ધરમપુર માટે ગૌરવની વાત છે.

ધરમપુરમાં સાહિત્યિક પ્રવૃત્તિઓને વેગ મળે તે હેતુથી લાઈબ્રેરીના વાચકો દ્વારા ‘સાહિત્ય પ્રભાત’ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દર વર્ષે સાહિત્યના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. આમ, સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોની સાથે સાહિત્યરસિકો માટે પણ આ લાઈબ્રેરી લોકપ્રિય બની છે.

સિવિલ સર્વિસની પ્રિલિમ્સ અને મેઇન્સ પાસ કરી પાંચ વખત ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો:પ્રમોદ યાદવ

ધરમપુરના હાથીખાનાના રહીશ અને સિવિલ સર્વિસિસની તૈયારી કરતા ૩૦ વર્ષીય પ્રમોદ યાદવે જણાવ્યું કે, હું લાઈબ્રેરીમાં સવારથી મોડી સાંજ સુધી વાંચન કરું છું. આ લાઈબ્રેરીમાં મેં સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી આશરે ૨૦૦ પુસ્તકોનું વાંચન કર્યું છે. અગાઉ લાઈબ્રેરીમાં ‘ધ હિન્દુ’ અને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારો આવતાં ન હતાં. આ અંગે લાઈબ્રેરિયન નિમેષભાઈને રજૂઆત કરતાં હવે બંને અખબારો નિયમિત આવે છે. અગાઉ મને ક્લાર્ક તરીકે સરકારી નોકરી મળી હતી, પરંતુ યુપીએસસી અને જીપીએસસીની તૈયારીમાં ખલેલ પડતા મેં નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. અત્યાર સુધીમાં સિવિલ સર્વિસિસની પ્રિલિમ્સ અને મેઇન્સ પરીક્ષા પાસ કરીને પાંચ વખત ઇન્ટરવ્યૂ આપવા માટે દિલ્હી સુધી પહોંચ્યો છું. મારાં સપનાં સાકાર કરવા માટે હજુ પણ પ્રયત્નો સતત ચાલુ છે.

રજાના દિવસે પણ અમારા માટે લાઈબ્રેરી ચાલુ રહે છે:નિરાલી ગાંવિત

ધરમપુર તાલુકાના ખટાણા ગામની ૨૭ વર્ષીય નિરાલી ગાંવિતે જણાવ્યું કે, હું સ્ટાફ નર્સની નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારી કરી રહી છું. અમારા ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ લાઈબ્રેરી રજાના દિવસે પણ ચાલુ રાખવામાં આવે છે. અહીં શૌચાલય અને ગાર્ડન જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અમે ઘરેથી ટિફિન લઈને આવીએ છીએ અને સવારથી સાંજ સુધી અહીં જ બેસીને વાંચન કરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ છીએ.

આ લાઈબ્રેરીમાં વાંચન કરીને કોન્સ્ટેબલ બન્યો, હવે પીઆઈ માટે તૈયારી ચાલુ:રાજેશ પવાર

ધરમપુરના ખટાણા ગામના રાજેશ પવાર જણાવે છે કે, આ લાઈબ્રેરીમાં વાંચન કરીને મને પોલીસ કોન્સ્ટેબલની નોકરી મળી છે. જોકે, મારું લક્ષ્ય પીઆઈ અથવા પીએસઆઈ બનવાનું હોવાથી હજુ પણ મારી તૈયારી ચાલુ છે. મારું સપનું સાકાર કરવામાં ધરમપુરની આ લાઈબ્રેરી સતત મદદરૂપ થઈ રહી છે. હું દરરોજ સવારે ૮ વાગ્યે લાઈબ્રેરીમાં આવી જાઉં છું અને સાંજે ૬ વાગ્યા સુધી વાંચન કરું છું. અહીં દરેક વાચક માટે અલગ ડેસ્કની વ્યવસ્થા હોવાથી શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષાની તૈયારી કરી શકાય છે.

અહીં વાંચન કરીને વીજ કંપનીમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટની નોકરી મળી:મેહુલ પટેલ

ધરમપુરની લાઈબ્રેરીમાં વાંચન કરીને આજે ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ તરીકે ખેડા ખાતે ફરજ બજાવતા વલસાડના ફલધરા ગામના મેહુલ પટેલ અને ગુજરાત સરકારના ગૃહ વિભાગ હેઠળ કાકરાપાર અણુમથકમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ધરમપુરના ઓઝરપાડાના વિમલ પટેલ જણાવે છે કે, ઘર નજીક હોવા છતાં બપોરે જમવા જવા માટે સમય બગડે નહીં તે માટે અમે સાથે ટિફિન લઈને આવીએ છીએ. આ લાઈબ્રેરીમાં સતત એક વર્ષ સુધી તૈયારી કરીને અમે અમારાં સપનાં સાકાર કર્યાં છે. રજાના દિવસે પણ લાઈબ્રેરી ચાલુ રહેતી હોવાથી અમને પરીક્ષાની તૈયારીમાં ઘણો લાભ મળ્યો હતો.

ધરમપુરની આ લાઈબ્રેરીને ગુજરાત સરકારના અનેક એવોર્ડથી સન્માનિત કરાઈ

ગુજરાત સરકારના ગ્રંથાલય વિભાગ દ્વારા આ લાઈબ્રેરીને દર વર્ષે ગ્રાન્ટની સાથે પુસ્તકો પણ આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૪માં લાઈબ્રેરીના પુસ્તકોનું કમ્પ્યુટરાઇઝેશન પણ કરવામાં આવ્યું હતું. લાઈબ્રેરીની શ્રેષ્ઠ કામગીરીને પગલે ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪માં નગર કક્ષા-૧ લાઈબ્રેરી વિભાગમાં શ્રેષ્ઠ લાઈબ્રેરીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૨૩માં સર્વશ્રેષ્ઠ બાળ લાઈબ્રેરીનો એવોર્ડ પણ એનાયત થયો હતો. આ ઉપરાંત લાઈબ્રેરીના ગ્રંથપાલ નિમેષ ભટ્ટને પણ બે વખત સર્વશ્રેષ્ઠ ગ્રંથપાલનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

ધરમપુરની નારણદેવજી લાઈબ્રેરીનું ગૌરવ વધારતા યુવાધન

(૧) આયુષી જી. પટેલ, આસિસ્ટન્ટ કમિશનર, વર્ગ-૧, જિલ્લા રજીસ્ટાર, કાકડકુવા, ધરમપુર, (૨) મેહુલ પી પટેલ, ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ, વર્ગ-૨ વીજકંપની, ખેડા, વતન ગામ ફ્લધરા, વલસાડ, (૩) કેતન ગવળી, GES-વર્ગ ૨, શિક્ષણ શાખા, ખાંડા ગામ, ધરમપુર, (૪) અંકિત પટેલ, મદદનીશ ઈજનેર, વર્ગ-૨, પાણી પુરવઠા બોર્ડ, નખત્રાણા, કચ્છ, વતન બામટી, ધરમપુર, (૫) તેજસ પટેલ, વર્ગ -૨ સિવિલ ઈજનેર, સુરેન્દ્રનગર, વતન શેરીમાળ, ધરમપુર અને (૬) મોનિલ પટેલ, વર્ગ-૨, ઈજનેર જેટકો, સુરેન્દ્રનગર,વતન ચીવલ, પારડી. આ ઉપરાંત લાઈબ્રેરીમાં વાંચન કરીને અનેક યુવક-યુવતીઓ તલાટી, જુનિયર ક્લાર્ક, ફોરેસ્ટર, બીટ ગાર્ડ, સ્ટાફ નર્સ સહિતનાં વિવિધ સરકારી પદો પર પસંદગી પામી ફરજ નિભાવી રહ્યાં છે. આમ, ધરમપુરની આ ઐતિહાસિક લાઈબ્રેરીએ યુવાધનના ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરી ઈતિહાસ રચ્યો છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!