ગુજરાત એલર્ટ | વલસાડ
નાની ઉંમરે જ રમતગમતના ક્ષેત્રમાં પોતાની પ્રતિભાનો પરિચય આપતી વલસાડની દીકરીએ અમદાવાદ ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત કૂડો સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શન કરીને બે મેડલ પોતાના નામે કર્યા છે. જયવીએ આંતરરાષ્ટ્રીય કૂડો ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ અને રાષ્ટ્રીય કૂડો ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવી વલસાડનું નામ રોશન કર્યું છે.
અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 12થી 17 નવેમ્બર દરમિયાન યોજાયેલી આ સ્પર્ધાઓમાં જયવી કરન ભાનુશાલીએ અદભુત રમતકૌશલ્ય, સાહસ, શિસ્ત અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કર્યું હતું. જેમાં 18મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કૂડો ટુર્નામેન્ટ 2026-27માં U-11 ગર્લ્સ, 33 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જ્યારે 17મી કૂડો નેશનલ ટુર્નામેન્ટ 2026-27માં આ જ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને બેવડી સફળતા પ્રાપ્ત કરી હતી.
આ ભવ્ય સ્પર્ધામાં દેશભરમાંથી અંદાજે 5,400 ખેલાડીઓએ ભાગ લીધો હતો. કૂડો ઇન્ડિયાના ચેરમેન અક્ષય કુમાર, શિહાન વિસ્પી ખરાડી અને હેન્સી મેહુલ વોરાના માર્ગદર્શન અને સહયોગ સાથે કીફી એસોસિએશન તથા યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના સહયોગથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર સહિતના મહાનુભાવો અને અન્ય અગ્રણી વ્યક્તિઓની ઉપસ્થિતિએ સ્પર્ધાની શોભામાં વધારો કર્યો હતો.
જયવી છેલ્લા ચાર વર્ષથી વલસાડ સ્પોર્ટ્સ સેન્ટર, નગરપાલિકા ખાતે પોતાના કોચ સેન્સેઈ તરુણ ઢીમ્મરના માર્ગદર્શન હેઠળ કૂડો રમતની તાલીમ લઈ રહી છે. સખત મહેનત અને રમત પ્રત્યેની અખૂટ લગનના પરિણામે જયવીએ નાની ઉંમરે જ આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. જયવીની આ સફળતા પાછળ માતા દૃષ્ટિનો સિંહફાળો રહ્યો છે. સાથે જ પિતાની પ્રેરણા, પરિવારનો સહયોગ અને કોચનું અમૂલ્ય માર્ગદર્શન પણ મહત્વપૂર્ણ રહ્યું છે.
જયવીની આ સિદ્ધિથી પરિવારજનો, મિત્રો, કચ્છી ભાનુશાલી સમાજ અને વલસાડમાં આનંદ તથા ગૌરવની લાગણી પ્રસરી છે. જયવી ભવિષ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ઊંચી સિદ્ધિઓ હાંસલ કરી ભારત માટે મેડલ જીતી દેશનું નામ વિશ્વભરમાં રોશન કરે તેવી સૌ કોઈએ હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી છે.
