ગુજરાત એલર્ટ | ધરમપુર
ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ અંતર્ગત ધરમપુર વિધાનસભા વિસ્તારની વિવિધ ગ્રામ પંચાયતોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરંપરાગત મહિમા પઠન, ભગવાન બિરસા મુંડાજીની આરતી, દીપોત્સવ તેમજ ભજન-કીર્તન દ્વારા ભક્તિમય માહોલ સર્જાયો હતો.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ બીલપુડી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભગવાન બિરસા મુંડાજીને પુષ્પાંજલિ અર્પણ કરી આદિવાસી સમાજની આસ્થા, સમૃદ્ધ સંસ્કૃતિ અને ગૌરવશાળી પરંપરાને વંદન કર્યું હતું. સાથે જ પરંપરાગત ભજન-કીર્તનમાં સહભાગી બની ભક્તિમય વાતાવરણનો આનંદ માણ્યો હતો.
આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીને ભાવાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ, પરંપરા અને સ્વાભિમાનની ભાવના સુંદર રીતે ઉજાગર થઈ હતી.
