વલસાડમાં ઈન્સ્ટાગ્રામ કોપીરાઇટનો ખેલ: વલસાડના વેપારીઓ વિચારજો.. તમારી કમાણીનો હિસ્સો કોના અહંકારને પોષી રહ્યો છે?

ગુજરાત એલર્ટ | વલસાડ
વેપાર અને પ્રચાર આજના સોશિયલ મીડિયાના જમાનામાં એકબીજાના પૂરક બની ગયા છે. વલસાડના નાના-મોટા દરેક વેપારીઓ પોતાના ધંધાના પ્રચાર માટે, પોતાની મહેનતના પૈસા ખર્ચીને સ્થાનિક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને જાહેરાતો આપતા હોય છે. પરંતુ શું ક્યારેય એ વિચાર આવ્યો છે કે તમારી જાહેરાતનું આ બજેટ કોઈ નિર્દોષ યુવાનની રોજીરોટી છીનવી લેવાનું સાધન તો નથી બની રહ્યું ને?
હાલ વલસાડના ડિજિટલ જગતમાં એક શરમજનક અને ચિંતાજનક વલણ જોવા મળી રહ્યું છે. વેપારીઓ પાસેથી મળતા નાણાં અને ફેક ફોલોઅર્સના જોરે પોતાને ડિજિટલ માર્કેટના “મહારથી” ગણાવતા વાસી થઈ ગયેલા વલસાડના “કુનકુન કમીના” જેવા અમુક સ્થાપિત ઇન્ફ્લુએન્સર્સ હવે પોતાની મોનોપોલી જાળવવા માટે માફિયા જેવી માનસિકતા અપનાવી રહ્યા છે. પોતાનાથી આગળ નીકળી જવાની બીકે, મહેનતકશ અને મધ્યમ વર્ગના નાના કન્ટેન્ટ ક્રિએટર્સના પેજ પર ખોટી કોપીરાઇટ સ્ટ્રાઈક્સ કરાવીને તેમના એકાઉન્ટ બંધ કરાવી દેવાની ગંદી રમત શરૂ થઈ છે. તાજેતરમાં જ એક સામાન્ય પરિવારના યુવાન દ્વારા વર્ષોની મહેનતથી ઊભા કરાયેલા પ્લેટફોર્મને માત્ર અંગત અહંકાર અને હરીફાઈના ડરથી ખતમ કરી દેવાયું.
આવા સંજોગોમાં વલસાડના સામાજિક મૂલ્યો અને નીતિમત્તા ધરાવતા વેપારીઓ માટે આ આત્મમંથન કરવાનો સમય છે. વેપાર હંમેશાં સહકાર, પ્રામાણિકતા અને સદ્ભાવના પર ટકેલો હોય છે. જ્યારે તમે આવા અહંકારી અને નિર્દય માર્કેટ માફિયાઓને જાહેરાત માટે હજારો રૂપિયા આપો છો, ત્યારે અજાણતાં જ તમે કોઈની રોજીરોટી પર લાત મારવાના પાપમાં ભાગીદાર બની રહ્યા છો. જે પૈસા કોઈના પ્રોત્સાહન અને વેપારના ઉત્થાન માટે વપરાવા જોઈએ, તે કોઈ ગરીબ દીકરાના ભવિષ્યને અંધકારમાં ધકેલવા માટેનું હથિયાર બની રહ્યા છે.
કોઈપણ વલસાડી વેપારી ક્યારેય એવું નહીં ઈચ્છે કે પોતાની લક્ષ્મીનો ઉપયોગ કોઈ સામાન્ય માણસના પરિવારની આજીવિકા છીનવવા માટે થાય. હવે સમય આવી ગયો છે કે સ્થાનિક વેપારીઓ માત્ર આંકડા કે ફોલોઅર્સ જોઈને આંધળો વિશ્વાસ કરવાને બદલે, વ્યક્તિના સંસ્કાર અને નીતિમત્તાને પણ ઓળખે. જે લોકો નાના કલાકારો કે ક્રિએટર્સને કચડીને આગળ વધવા માંગે છે, તેમને આર્થિક પ્રોત્સાહન આપવું કેટલું યોગ્ય છે તે દરેક ધંધાદારીએ જાતે નક્કી કરવાનું છે.
સહકાર અને સમાન તકો આપવાથી જ બજાર મોટું બને છે, કોઈનો હક છીનવીને કે દાદાગીરી કરીને ઊભો કરેલો મોભો લાંબો સમય ટકતો નથી. વલસાડના જાગૃત વિક્રેતાઓ હવે એવા અહંકારી ચહેરાઓને ઓળખીને યોગ્ય પાઠ ભણાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!