મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નંદાવલા ખાતે ત્રિમંદિરનું ભૂમિપૂજન સંપન્ન: દાદા ભગવાન ફાઉન્ડેશન ‘અક્રમ વિજ્ઞાન’ દ્વારા આત્મજ્ઞાન અને સર્વધર્મ સમન્વયનો પ્રસાર કરે છે.

ગુજરાત એલર્ટ | વલસાડ
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વલસાડ જિલ્લાના નંદાવલા ખાતે દાદા ભગવાન પરિવાર (ફાઉન્ડેશન)ના ત્રિમંદિરનું ભૂમિપૂજન પૂજ્યશ્રી દિપકભાઈ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પૂજ્યશ્રી દીપકભાઈ સાથે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરી હતી. તેમજ પૂજ્યશ્રી સાથે આત્મીય સંવાદ સાધીને આશીર્વાદ મેળવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાની ભાવના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અહીંયા અમે મહાત્માની રીતે આવીએ છીએ, તો તમારા ચરણોમાં સમર્પિત થઈ જઈએ એવી પ્રાર્થના હર હંમેશ કરતા રહીએ છીએ. તેમણે દાદા ભગવાન, પૂજય નીરુમાની અને પૂજ્યશ્રીની ભાવના છે કે આવા મંદિર ગામોગામ હોજો. તો આપણે બધા આજે એવી ભાવના કરીએ કે આ મંદિરો જેટલા વધુ ને વધુ બનશે, પછી ભારતનો નકશો કંઈક અલગ જ હશે એવું દાદા કહેતા એમ કહ્યું હતું. તો આપણે બધાએ આજે આ ભાવના રાખીયે કે આવા મંદિર જેટલા વધુ ને વધુ ઝડપથી બને અને લોક કલ્યાણ પ્રવૃત્તિ વધુ પ્રબળ બને એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિકસિત ભારતનો સંદેશ દોહરાવતા તેમણે વિકસિત ભારતમાં પણ આ મંદિરોનું પણ વિશેષ યોગદાન હશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ત્રિમંદિર એ જૈન, શૈવ, વૈષ્ણવ અને અન્ય ધર્મોને એક સમાન મંચ પર લાવીને ધાર્મિક મતભેદો દૂર કરતું અનોખું તીર્થધામ છે. પરમ પૂજ્ય દાદાશ્રીના જણાવ્યા અનુસાર, આ મંદિરનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને “મારો ધર્મ જ સાચો છે” તેવા વાડાઓમાંથી મુક્ત કરી આત્મજ્ઞાન અને સાચા મોક્ષના માર્ગે વાળવાનો છે. સર્વધર્મ સમન્વયનું આ પ્રતીક જીવાત્માને ભેદભાવોથી પર લઈ જઈને સાચી શાંતિનો અનુભવ કરાવે છે.

દાદા ભગવાન ફાઉન્ડેશન એ પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા પ્રસ્થાપિત ‘અક્રમ વિજ્ઞાન’ (સ્ટેપલેસ આધ્યાત્મિક વિજ્ઞાન) નો દેશ-વિદેશમાં પ્રસાર કરતી આધ્યાત્મિક સંસ્થા છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સંસારમાં રહીને, કોઈ પણ પ્રકારના કઠોર ત્યાગ વિના સીધી રીતે આત્મજ્ઞાન (Self-Realization) પ્રાપ્ત કરાવવાનો છે.
પૂજ્ય નીરુમા અને વર્તમાન આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈના માર્ગદર્શન હેઠળ, આ સંસ્થા વિશ્વભરમાં સત્સંગ, જ્ઞાનવિધિ અને આધ્યાત્મિક શિબિરોનું આયોજન કરે છે. ફાઉન્ડેશન દ્વારા દેશભરમાં નિર્મિત ‘ત્રિમંદિરો’ સાંપ્રદાયિક મતભેદોને દૂર કરી સર્વધર્મ સમન્વય અને વિશ્વ શાંતિનો અનોખો સંદેશ આપે છે.
કાર્યક્રમમાં વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, કલેક્ટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચાપલોત, પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!