વલસાડમાં ‘સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)’નો ભવ્ય પ્રારંભ: ૬ નવેમ્બર સુધી મેળો જાહેર જનતા માટે ખુલ્લો રહેશે

ગુજરાત એલર્ટ | વલસાડ
સ્થાનિક કારીગરો અને મહિલા ઉદ્યોગસાહસિકોને મળશે પ્રોત્સાહન મળે તે હેતુથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા વલસાડ નગરપાલિકા દ્વારા નારીશક્તિ, સ્થાનિક કલા અને ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા તેમજ સ્થાનિક અર્થતંત્રને વધુ મજબૂત બનાવવાના હેતુથી ‘સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૮ ઓક્ટોબરથી ૬ નવેમ્બર સુધી આ મેળો જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.
વડાપ્રધાનશ્રીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવાના હેતુથી આયોજિત આ મેળાનું ઉદ્ઘાટન વલસાડના ધારાસભ્ય ભરતભાઈ, નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ, વલસાડ જિલ્લા ભાજપ સંગઠનના કમલેશભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી આશુતોષ મિશ્રા, શાસક પક્ષના નેતા અલ્કાબેન દેસાઈ તેમજ અન્ય સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આ મેળા દ્વારા સ્થાનિક કારીગરોને પોતાની સુષુપ્ત કળા અને કૌશલ્ય રજૂ કરવા માટે યોગ્ય મંચ મળે છે, જ્યારે નાના ઉદ્યોગસાહસિકોનો આત્મવિશ્વાસ વધે છે. વલસાડ અને આસપાસના વિસ્તારના નાગરિકોને મેળાની મુલાકાત લેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
મેળાની વિશેષતા એ છે કે તેમાં વલસાડ તથા આસપાસના તાલુકાઓનાં સખી મંડળોની બહેનો, પીએમ સ્વનિધિ યોજના હેઠળ નોંધાયેલા શહેરી ફેરિયાઓ અને કુશળ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે.

મેળામાં હાથબનાવટની ગૃહસજાવટની વસ્તુઓ, હસ્તકલાના નમૂનાઓ, પરંપરાગત વસ્ત્રો, શુદ્ધ મસાલા, અથાણાં, પાપડ સહિતની વિવિધ ખાદ્યસામગ્રી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલાં ઉત્પાદનો સીધાં ગ્રાહકો સુધી પહોંચતાં વચેટિયાઓની ભૂમિકા ઘટે છે અને કારીગરોને તેમની મહેનતનું યોગ્ય વળતર મેળવવામાં મદદ મળે છે.
આ સ્વદેશી મેળો સ્થાનિક મહિલા ઉદ્યોગસાહસિકો, નાના વેપારીઓ અને કારીગરોને પ્રોત્સાહન આપવા સાથે સ્થાનિક અર્થતંત્રને વેગ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ છે. મોલ કે ઓનલાઇન ખરીદીના વિકલ્પ તરીકે સ્થાનિક સ્તરે તૈયાર થતી વસ્તુઓની ખરીદીને પ્રોત્સાહન આપવાની આ એક ઉત્તમ તક છે.
‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના સંકલ્પ સાથે સ્થાનિક ઉત્પાદનો ખરીદીને સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન મળે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!