ગુજરાત એલર્ટ | કિલ્લા પારડી
એન. કે. દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, કિલ્લા પારડી તથા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે “કાવ્યોત્સવ – શબ્દથી અભિવ્યક્તિની સફર” કવિ સંમેલનનું ભવ્ય આયોજન કોલેજ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમીના આધ્યાત્મિક ઉત્સવને કવિતાના માધ્યમથી ઉજવવાના આ અનોખા પ્રયાસે સમગ્ર વાતાવરણને ભક્તિ, ભાવના અને સાહિત્યથી તરબતર કરી દીધું હતું.

કવિ સંમેલનમાં “ઈશ્વરની કવિતા” તથા શ્રીકૃષ્ણ કેન્દ્રિત કાવ્યભાવનાને મુખ્ય વિષય બનાવી કવિઓ અને કવિમિત્રોએ પોતાની સુંદર કાવ્યરચનાઓ અને પ્રસ્તુતિઓ દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં પારડી શહેરના પ્રબુદ્ધ નાગરિકો, અટાર વૃદ્ધાશ્રમના વડીલો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે મોટાપોંઢા કોલેજના અધ્યાપિકા ડો. આશાબેન ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમી સાથે પણ જોડાયેલા છે. સાથે પારડી એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી શ્રી જયપ્રકાશભાઈ દેસાઈ તથા શ્રીમતી નયનાબેન દેસાઈની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી.

કાવ્યપઠન માટે વલસાડના અલ્પાબેન મોદી, ચેતન મોદી, જયદીપભાઈ મહેતા, ડો. દીપેશ શાહ, ડો. શિવાની આચાર્ય તેમજ પારડીના પ્રિતેશભાઈ ભરૂચા અને કિંજલબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. કવિઓ દ્વારા શ્રીકૃષ્ણ અને તેમની દિવ્યતા સાથે જોડાયેલી નામાંકિત કવિઓની રચનાઓનું ભાવસભર અને અસરકારક પઠન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓની કાવ્યપ્રતિભાને મળ્યું મંચ
આ સમગ્ર કવિ સંમેલનનું આયોજન બે તબક્કામાં કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કાવ્યપઠન કર્યું હતું. વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણ વિષયક વિવિધ કવિતાઓ રજૂ કરી પોતાની સર્જનાત્મકતા અને કાવ્યપ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. યુવા પેઢીને સાહિત્ય સાથે જોડવાનો આ પ્રયાસ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યો હતો.

કાર્યક્રમનું સફળ સંચાલન અલ્પાબેન મોદી તથા ડો. શિવાની આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના અધ્યાપક નિરવ સુરતીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
સમગ્ર કવિ સંમેલનનું આયોજન, માર્ગદર્શન અને સુચારુ આયોજન કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડો. દીપેશ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
જન્માષ્ટમીના પાવન પર્વને સાહિત્ય, સંગીત અને કાવ્યના સંગમ સાથે ઉજવતા આ સુંદર કાર્યક્રમની સફળતા બદલ પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ દેસાઈએ સમગ્ર આયોજન ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
“કાવ્યોત્સવ” માત્ર કવિ સંમેલન ન બની, પરંતુ શબ્દ, શ્રદ્ધા અને શ્રીકૃષ્ણ પ્રત્યેની ભાવનાનો સુંદર સંગમ બનીને સૌના હૃદયમાં અમીટ છાપ છોડી ગયો.
