ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઉમરગામ તાલુકાની જીઆઈડીસી ખાતે પ્લોટ નં. ૨૮૩૭માં આવેલી Ever Green Food Mfg. Co., ખાતે રૂબરૂ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ પેઢી દ્વારા EVEREST Food Products Pvt. Ltd. માટે હિંગનું જોબવર્ક કરવામાં આવે છે, જેથી તપાસ દરમિયાન ઉપલબ્ધ હિંગના જથ્થામાંથી ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા નમૂના લેવામાં આવ્યા હતા. જેને પૃથ્થકરણ અર્થે રૂબરૂ રાજકોટ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. નમૂનાઓનો પૃથ્થકરણ અહેવાલ પ્રાપ્ત થયા બાદ અહેવાલના આધારે ખાદ્ય સલામતી અને ધોરણો અધિનિયમ, ૨૦૦૬ તથા તે હેઠળના નિયમો/વિનિયમો મુજબ આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
તપાસ દરમિયાન Ever Green Food Mfg. Co. ખાતે કુલ ૪,૬૬૮.૮ કિગ્રા હિંગ પાઉડરનો જથ્થો, જેની કુલ કિંમત રૂ. ૨૬,૮૧,૩૪૦/- થાય છે, તે સીઝ કરવામાં આવ્યો છે. જેમાં Yellow Hing Powder (Loose)નો ૧,૧૯૯.૪ કિગ્રા જથ્થો, જેની કિંમત રૂ. ૫,૯૯,૭૦૦/- છે, તેમજ Black Hing Powder (Loose)નો ૩,૪૬૯.૪ કિગ્રા જથ્થો, જેની કિંમત રૂ. ૨૦,૮૧,૬૪૦ થાય છે.
આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કુલ ૪,૬૬૮.૮ કિગ્રા હિંગ પાઉડરનો જથ્થો સીઝ કરી, તેના Enforcement Samples પૃથ્થકરણ અર્થે રાજકોટ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યો છે. પૃથ્થકરણ અહેવાલ પ્રાપ્ત થયા બાદ નિયમોનુસાર આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એવુ ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી આશિષ વલવીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.
