ગુજરાત એલર્ટ | સુરત
‘ગુજરાત રાજ્ય એક્વેટિક એસોસિએશન’ દ્વારા ‘સુરત ડિસ્ટ્રિક્ટ એક્વેટિક એસોસિએશન’ના સહયોગથી સુરતની SMC સંચાલિત ચીમનભાઈ લાપસીવાલા રૂસ્તમપુરા તરણ કુંડ ખાતે તા.૩૦ અને ૩૧ ઓગસ્ટ દરમિયાન ૧૫મી ‘ગુજરાત સ્ટેટ માસ્ટર્સ સ્ટેટ એકવેટિક ચેમ્પીયનશીપ-૨૦૨૬’ તરણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સુરત રોજગાર કચેરીના મદદનીશ નિયામક (રોજગાર) શ્રી પારૂલ પટેલે દ્વિતીય ક્રમ સાથે સિલ્વર મેડલ મેળવી સુરતનું ગૌરવ વધાર્યું છે. પોતાની ઉત્કૃષ્ટ તરણકળાનો પરિચય આપતા પારૂલબેન પટેલે ૪૫ થી ૪૯ વર્ષના વયજૂથમાં ‘૫૦ મીટર બ્રેસ્ટ સ્ટ્રોક'(50 MT. Breast stroke) ઇવેન્ટમાં માત્ર ૦૧:૩૪:૯૪ સેકન્ડના અદભૂત સમય સાથે સફળતા પ્રાપ્ત કરી હતી.

ગુજરાત સ્ટેટ માસ્ટર્સ સ્ટેટ એકવેટિક ચેમ્પીયનશીપમાં રાજ્યભરના ૧૫ જિલ્લાનાં અંદાજે ૧૮૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વિવિધ વયજૂથ વચ્ચે વિવિધ કેટેગરીમાં યોજાયેલી આ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકો તા.૧૧-૧૨-૧૩ સપ્ટેમ્બરે હરિયાણાના બહાદુરગઢ ખાતે રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. અને નેશનલની વિવિધ કેટેગરીઓમાં વિજેતા થનાર ૧ થી ૬ ક્રમના ખેલાડીઓ બેંગ્લોર ખાતે યોજાનારી એશિયન એકવેટિક સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
ઉલ્લેખનીય છે કે, માસ્ટર્સ સ્ટેટ એકવેટિક સ્પર્ધા ૨૫ થી ૮૦ વર્ષની વયજૂથ ધરાવતા રમતવીરો વચ્ચે વિવિધ કેટેગરીમાં યોજાઈ છે.
