વલસાડના સાંસદશ્રી ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મ્યુનિસિપલ હોસ્પિટલમાં પાંડે પરિવાર દ્વારા રૂ. ૨૧ લાખની જીવનરક્ષક દવા અને સર્જીકલ સાધનોનો વિતરણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ-ડાંગના સાંસદ શ્રી અને લોકસભાના દંડકશ્રી ધવલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડના પાંડે પરિવાર દ્વારા સ્વ. માતૃશ્રી મીનાબેન પાંડેની પુણ્યતિથિ નિમિત્તે સ્વ. પિતાશ્રી કૈલાશનાથ પાંડે દ્વારા શરૂ કરવામાં આવેલા “સેવા યજ્ઞ” અંતર્ગત સતત ૧૭માં વર્ષે વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા જરૂરીયાતમંદ લોકોને સહાયરૂપ થવાના શુભ આશય સાથે જીવનરક્ષક દવાઓ,વિવિધ પ્રકારની ગ્લુકોઝની બોટલો અને વિવિધ સર્જીકલ સાધનો મળી કુલ રૂ. ૨૧ લાખની દવા અને સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે સાંસદશ્રી ધવલભાઈ પટેલે જણાવ્યું કે, પાંડે પરિવારે વલસાડને પોતાનું ઘર બનાવી સેવાકીય પ્રવૃતિની શરૂઆત કરી હતી. એમના પિતાશ્રી સ્વ. કૈલાશનાથ પાંડેએ શરૂ કરેલી આ સેવા યાત્રાને દિવ્યેશભાઈ પાંડે અને એમનો પરિવાર આગળ વધારી રહ્યો છે. આજે એમના પરિવાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે રૂ. ૨૧ લાખની દવા અને સાધનોનું વિતરણ કરાયું છે તે ખૂબ મોટી વાત છે. હાલમાં જ મારા એમપી ફંડમાંથી આ હોસ્પિટલ માટે સોલાર આર.ઓ. પ્લાન્ટ ફાળવ્યો છે. આ સિવાય પણ હોસ્પિટલમાં વધારાની જે પણ જરૂરિયાત હોય તે પુરી પાડવા પ્રયાસ કરીશું એવી ખાતરી સાંસદશ્રીએ આપી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન જે . પટેલે જણાવ્યું કે, માતાનું ઋણ જીવનમાં કદી ચૂકવાતું નથી. પરંતુ પાંડે પરિવારના પુત્રો માતૃ વંદના દ્વારા આ સેવાયજ્ઞ કરી રહ્યા છે, જે અન્યો માટે પ્રેરણાદાયી છે.

વલસાડ પાલિકાના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ સંગઠનના મંત્રી શ્રીમતી સોનલબેન સોલંકીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશની હેલ્થ સિસ્ટમ ટોચના સ્થાને પહોંચી છે. પહેલા નાના નાના કેમ્પથી શરૂઆત કરી હતી. ખાનગી કંપનીઓ પાસે સીએસઆર અંતર્ગત ડોનેશન મેળવી આ હોસ્પિટલની શરૂઆત કરી હતી. કોરોના કાળમાં પણ આ હોસ્પિટલ ખૂબ જ ઉપયોગી બની હતી, દાખલ થયેલા એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું ન હતું. માત્ર ૨૦ રૂપિયામાં અહીં લોકોને સારવાર મળી રહી છે. આ હોસ્પિટલની ક્ષમતા ખૂબ જ છે, જેને પાંડે પરિવાર દ્વારા સંપૂર્ણ સહયોગ મળતા દર્દીઓને બહેતર સુવિધા મળી રહી છે. તેઓ આ સેવા કાર્ય આગળ વધારતા રહે એવી શુભેચ્છા પાઠવું છું.

આ પ્રસંગે જાણીતા કથાકારશ્રી પ્રફુલભાઈ શુક્લાએ આશીર્વચન આપતા જણાવ્યું કે, ગત રોજ સ્વતંત્રતા પર્વે વંદે માતરમનો નાદ કરી ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારે મને લાગ્યું કે, હવે ખરા અર્થમાં બિનસાંપ્રદાયિકતા શરૂ થઈ છે. આ નવા ભારતમાં સ્વ.કૈલાસનાથ પાંડેએ શરૂ કરેલો સેવા યજ્ઞ તેમનો પરિવાર ખરા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યો છે. ભવિષ્યમાં પણ તેઓ સેવા યજ્ઞની ધૂણી ધખતી રાખે એવી આશા રાખું છું.

વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલ, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડેલ અને હોસ્પિટલ કમિટીના ચેરમેન ઉર્વશી પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. હોસ્પિટલના ડો. રોહન પટેલે દાનમાં મળેલી દવા અને સાધનોની વિગત આપી હતી.

સ્વાગત પ્રવચન પાંડે પરિવારના દિવ્યેશ પાંડે કર્યું હતું, જ્યારે આભારવિધિ પ્રજ્ઞેશ પાંડે એ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મેઘા પાંડેએ કર્યું હતું.
આ પ્રસંગે વલસાડ તાલુકા પંચાયત પ્રમુખશ્રી કિશોર મહેવાલા, પારડી સાંઢપોરના સરપંચશ્રી ભોલાભાઈ પટેલ, આરટીઓ ઇન્સ્પેક્ટર રામભાઈ, જિલ્લા સંગઠન પ્રભારીશ્રી વિનય શુક્લા, જિલ્લા સંગઠન મહામંત્રીશ્રી નિખીલ ચોકસી અને કમલેશ પટેલ, પ્રદેશ સંગઠન યુવા મોરચા કોષાધ્યક્ષશ્રી ધ્રુવિન પટેલ, લઘુમતી મોરચા ઉપપ્રમુખશ્રી ઇલિયાસ મલેક, સંગઠન અગ્રણી શિલ્પેશ દેસાઈ, વલસાડ મુસ્લિમ સમાજના પ્રમુખશ્રી ઝાહિર દરિયાઈ, ડો. નિશિથ પટેલ, ડો. હેતલ પટેલ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!