સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કસ્તુરબા હોસ્પિટલ, વલસાડ ખાતે આધુનિક મોડ્યુલર ICUનું લોકાર્પણ: 1983થી કાર્યરત ક્રિટિકલ કેર સેવાનું પુનઃવિકસિત અને આધુનિક સ્વરૂપ

ગુજરાત એલર્ટ | વલસાડ
ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કસ્તુરબા વૈદ્યકીય રાહત મંડળ સંચાલિત કસ્તુરબા હોસ્પિટલ, વલસાડ ખાતે *પુનઃવિકસિત આધુનિક મોડ્યુલર ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU) નું* લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ICUનું રિબન કટિંગ શ્રી કૃષ્ણાવદન ઠાકોરભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વ. શ્રી ઠાકોરભાઈ દયાભાઈ દેસાઈના પરિવારજનો, અન્ય દાતાશ્રીઓ, કસ્તુરબા વૈદ્યકીય રાહત મંડળના ટ્રસ્ટી સભ્યો, હોસ્પિટલના કન્સલ્ટન્ટ્સ, તબીબી નિષ્ણાતો તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
લોકાર્પણ પ્રસંગે ડૉ. સમીર દેસાઈ, ડૉ. મુશ્તાક કુરેશી, શ્રી જયનીશભાઈ કોઠારી સહિત વલસાડ શહેરના વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં અન્ય દાતાશ્રીઓ, તબીબી ક્ષેત્રના નિષ્ણાતો તથા હોસ્પિટલના તબીબો અને સ્ટાફે હાજરી આપી હતી.
82 વર્ષની સેવાયાત્રા, 43 વર્ષથી ક્રિટિકલ કેર સેવા
1 જૂન 1944ના રોજ સ્થાપિત કસ્તુરબા હોસ્પિટલએ 82 વર્ષની સેવાયાત્રા પૂર્ણ કરી 83મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.
કસ્તુરબા હોસ્પિટલમાં વર્ષ 1983થી ICU અને ક્રિટિકલ કેર સેવાઓ કાર્યરત છે.
છેલ્લા ચાર દાયકામાં તબીબી વિજ્ઞાન, ટેકનોલોજી અને દર્દીઓની જરૂરિયાતોમાં થયેલા ફેરફારોને અનુરૂપ હોસ્પિટલ દ્વારા વિવિધ આરોગ્યસુવિધાઓનું તબક્કાવાર આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. ICUનું આ પુનઃવિકાસ કાર્ય પણ હોસ્પિટલની આ સતત પ્રક્રિયાનો એક ભાગ છે.

ICUમાં આધુનિક સુવિધાઓ
પુનઃવિકસિત ICUમાં ગંભીર દર્દીઓની સારવાર માટે વિવિધ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં અલગ પેશન્ટ ક્યુબિકલ્સ, ડાયાલિસિસ તથા હેમોડાયાફિલ્ટ્રેશન, જરૂરીયાત મુજબ નેગેટિવ અને પોઝિટિવ પ્રેશર આઇસોલેશન, તેમજ ICU માટે Dedicated Air Handling Unit(AHU)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત બેડસાઇડ તથા સેન્ટ્રલ પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ, વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર, ઇન્ફ્યુઝન તથા સિરિન્જ પમ્પ સહિતના જરૂરી ક્રિટિકલ કેર ઉપકરણો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. યોગ્ય ક્લિનિકલ પરિસ્થિતિમાં બેડસાઇડ એન્ડોસ્કોપી અને બ્રોન્કોસ્કોપી માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે.
ICUમાં ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ, ફાયર સેફ્ટી, ઇમરજન્સી પ્રિપેર્ડનેસ અને સુરક્ષિત ક્લિનિકલ વર્કફ્લો પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે.
આ સુવિધાનું આયોજન સમકાલીન ક્રિટિકલ કેર પ્રેક્ટિસ તથા ભારતમાં ઈન્ટેન્સિવ કેર યુનિટ માટે વિકસાવવામાં આવેલા સ્ટેન્ડર્ડ ફ્રેમવર્ક ના વ્યાપક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.

સમુદાય અને દાતાશ્રીઓના સહયોગથી વિકાસ
ICUના પુનઃવિકાસમાં વિવિધ દાતાશ્રીઓ, સમુદાયના શુભેચ્છકો અને હિતેચ્છુઓનો સહયોગ રહ્યો છે.
તેમાં ખાસ કરીને હનુમાન ભાગડા, વલસાડના સ્વ. શ્રી ઠાકોરભાઈ દયાભાઈ દેસાઈના પરિવાર દ્વારા નોંધપાત્ર સહયોગ આપવામાં આવ્યો છે. આ યોગદાન સ્વ. શ્રી ઠાકોરભાઈ દયાભાઈ દેસાઈની સ્મૃતિ અને સમાજસેવાની ભાવનાને આગળ ધપાવતું મહત્વપૂર્ણ યોગદાન છે.
આ પહેલને શ્રી જયંતીભાઈ બલ્સારા (USA) સહિત અન્ય દાતાશ્રીઓ અને શુભેચ્છકોનો પણ સહયોગ મળ્યો છે. સ્વ. શ્રી ઠાકોરભાઈ દયાભાઈ દેસાઈના પરિવારજનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહત્વ આપ્યું હતું.

ટ્રસ્ટ મંડળ દ્વારા આભાર
કસ્તુરબા વૈદ્યકીય રાહત મંડળના પ્રમુખ શ્રી કિરણ ઠાકોરભાઈ દેસાઈ, ઉપપ્રમુખ શ્રી અપૂર્વ અર્જુનભાઈ દેસાઈ, સહમંત્રી શ્રી અનીશ પ્રદ્યુમ્નભાઈ શાહ તથા સમસ્ત ટ્રસ્ટી મંડળ દ્વારા ICUના વિકાસમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ટ્રસ્ટ મંડળ દ્વારા વલસાડના તબીબી નિષ્ણાતો, કસ્તુરબા હોસ્પિટલના નિષ્ણાત કન્સલ્ટન્ટ્સ, સારવાર સાથે જોડાયેલા તબીબો, નર્સિંગ ટીમ, એડમિનિસ્ટ્રેશન ટીમ તથા સમગ્ર હોસ્પિટલ સ્ટાફને પણ આ સુવિધાને કાર્યરત કરવામાં આપેલા સહયોગ બદલ અભિનંદન અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કસ્તુરબા હોસ્પિટલનું આ ICU પુનઃવિકાસ કાર્ય વલસાડ તથા આસપાસના વિસ્તારોની બદલાતી આરોગ્ય જરૂરિયાતોને અનુરૂપ ક્રિટિકલ કેર સેવાઓને વધુ સુદૃઢ બનાવવાના હોસ્પિટલના સતત પ્રયાસોનો એક ભાગ છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!