જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલની અધ્યક્ષતામાં “મહિલા સ્વાવલંબન દિવસ” નિમિત્તે રોજગાર/સ્વરોજગાર મેળો યોજાયો: ૨૫૧ મહિલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

ગુજરાત એલર્ટ | વલસાડ
જિલ્લા વહીવટી તંત્ર, વલસાડના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગરના સહયોગથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી , વલસાડ અને જિલ્લા રોજગાર કચેરી, વલસાડ દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલની અધ્યક્ષતામાં “મહિલા સ્વાવલંબન દિવસ” નિમિત્તે પારડી પ્રજાપતિ હોલ, પારડી ખાતે મહિલા રોજગાર/સ્વરોજગાર ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ ભરતી મેળામાં વિવિધ ઉદ્યોગો(કંપનીઓ)ના કુલ 7 નોકરીદાતાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. મેળામાં કુલ 487 મહિલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 251 મહિલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી સ્થળ પર જ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી હતી.

શ્રીમતી શ્વેતા દેસાઈ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી, વલસાડ દ્વારા મહિલાઓના આર્થિક સશક્તિકરણ, રોજગાર અને સ્વરોજગારની તકો, સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તેમજ મહિલાઓ માટે ઉપલબ્ધ સહાય અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દ્વારા મહિલાઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો તેમજ મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બનવા પ્રેરણા આપવામાં આવી હતી.
શ્રીમતી પી. એલ. પટેલ, જિલ્લા રોજગાર અધિકારી, વલસાડ દ્વારા મેળામાં ઉપસ્થિત વિવિધ કંપનીઓના HR મેનેજરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મહિલા ઉમેદવારોને રોજગાર માટે જરૂરી કૌશલ્ય, આત્મવિશ્વાસ સાથે ઇન્ટરવ્યૂ આપવાની તૈયારી અને ઉપલબ્ધ રોજગારની તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
લીડ બેંક તરફથી શ્રીમતી સગુણા પટેલ દ્વારા Financial Literacy (નાણાકીય સાક્ષરતા) અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ બેંકિંગ સેવાઓ, બચત, લોન અને નાણાકીય આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ RSETI (Rural Self Employment Training Institute) દ્વારા સ્વરોજગાર માટેની તાલીમ, ઉદ્યોગ સ્થાપન માટેની તકો અને સંસ્થાની કામગીરી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
વિવિધ કંપનીઓ દ્વારા સ્થળ પર જ મહિલા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા અને રોજગાર માટેની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, લીડ બેંક મેનેજર તથા તેમના પ્રતિનિધિઓ, પારડી ITI ના સ્ટાફ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કર્મચારીઓ, DRDA કચેરીના કર્મચારીઓ, સ્કિલ ટ્રેનિંગ સેન્ટરના પ્રતિનિધિઓ, વિવિધ કંપનીઓના HR મેનેજરો તેમજ મોટી સંખ્યામાં મહિલા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના મહિલા રોજગાર/સ્વરોજગાર મેળા દ્વારા મહિલાઓને તેમની ક્ષમતા અને કૌશલ્ય અનુસાર રોજગારીની તકો પ્રાપ્ત થાય તેમજ તેઓ આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બને તે દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!