ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં ગત અઠવાડિયામા ધોધમાર વરસાદના પગલે માર્ગ અને મકાન વિભાગ ( રાજ્ય ) હસ્તકના ૭૫ રસ્તા પૈકી ૩૭ માર્ગો પર ઓવર ટોપિંગ, ભૂસ્ખલન, માર્ગ ઉપર અને પુલ ઉપરથી પાણી પસાર થતાં એપ્રોચના ધોવાણ, માળખાકીય નુકસાન તેમજ માર્ગની સપાટી ધોવાઈ જવાના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી માર્ગ અને મકાન વિભાગ ( રાજ્ય ) દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ અને પુનઃસ્થાપન કામગીરી હાથ ધરી ૩૭ માંથી ૩૬ માર્ગ પર વાહન વ્યવહાર પુનઃસ્થાપિત કરાયો છે. જ્યારે ધરમપુરનો એક માત્ર સ્ટેટ હસ્તનો ધરમપુર માકડબન ધામણી ટોકરપાડા રોડ સેકશન ધામણી મેણધા થી ટોકરપાડા રોડ ઓવરટેપિંગના કારણે બંધ છે.

વિભાગના અધિકારીઓ, ઈજનેરો અને ફિલ્ડ સ્ટાફ સતત અસરગ્રસ્ત વિસ્તારોમાં હાજર રહી અસરગ્રસ્ત માર્ગોમાં દિવસ-રાત કામ કરી રહ્યા છે. વિભાગ હસ્તકના ૩૭ માર્ગો અસરગ્રસ્ત બન્યા હતા. આજના દિવસ દરમિયાન ૧૮ વિશેષ ટીમો, ૧૩૦ મેન-પાવર, ૨૩ જે.સી.બી, ૫ ટ્રેક્ટર, ૫ ડમ્પર અને ૧ રોલરની મદદથી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત અંદાજે ૧૧૦૦ મેટ્રિક ટન મેટલનો ઉપયોગ કરીને માર્ગોને ઝડપથી વાહનવ્યવહાર માટે કાર્યરત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વિભાગની સતત કામગીરીના પરિણામે માર્ગો પર વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે અને રીપેરીંગની કામગીરી પ્રગતિમાં છે. વિશેષ કરીને ધરમપુર અને કપરાડા તાલુકાના રસ્તાઓ પર ભૂસ્ખલનની ઘટનાઓના કારણે રસ્તાઓ બંધ થયા હતા પરંતુ માર્ગ અને મકાન વિભાગ વલસાડ ( રાજ્ય ) ની ત્વરિત કામગીરીના કારણે રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે.
