ગુજરાત એલર્ટ | વલસાડ
કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ તાજેતરમાં પડેલા અતિભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પંડોર ગામે સર્જાયેલી દુઃખદ ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી. આ મુશ્કેલ સમયમાં રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને સત્વરે આર્થિક મદદ પૂરી પાડવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી અપાતી રાહત સહાય અંતર્ગત પંડોર ગામના સ્વ. રમણભાઈ બર્જુલભાઈ પટેલ તથા સ્વ. દેવીબેન સુરેશભાઈ હળપતિના પરિવારજનોને રૂ. ૪-૪ લાખની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, કુદરતી આપત્તિથી થયેલી જાનહાનિની ભરપાઈ ક્યારેય શક્ય નથી, પરંતુ દુઃખના આ કપરા સમયમાં રાજ્ય સરકાર દરેક અસરગ્રસ્ત પરિવારની સાથે અડીખમ ઊભી છે અને જરૂરી તમામ સહાય સમયસર પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ છે. વધુમાં, ઉપસ્થિત સંબંધિત અધિકારીઓને પણ અસરગ્રસ્ત પરિવારોને સરકારની અન્ય તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ વિના વિલંબે અને ઝડપથી મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી.

આ દુઃખદ ઘડીમાં સ્વ. રમણભાઈ બર્જુલભાઈ પટેલ તથા સ્વ. દેવીબેન સુરેશભાઈ હળપતિને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પરમાત્મા દિવંગત આત્માઓને શાંતિ અર્પે તથા તેમના પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
