અનસૂયા છાત્રાલયની આદિવાસી દીકરીઓની અનોખી માનવસેવા: પૂરગ્રસ્તો માટે જાતે કપડાં ધોઈને પૂરું પાડ્યું ઉત્તમ ઉદાહરણ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં આવેલા વિનાશક પૂરના કારણે હજારો પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ વિકટ પરિસ્થિતિમાં અસરગ્રસ્તોને મદદરૂપ થવા અનેક સંસ્થાઓ આગળ આવી રહી છે, ત્યારે ધરમપુર પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને અનસૂયા છાત્રાલય, વિરવલની આદિવાસી દીકરીઓએ માનવતાનું એક અનોખું અને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ દીકરીઓએ રાહતકાર્યમાં પોતાનું યોગદાન આપવા માટે એક ટેમ્પો ભરેલા પૂર પીડિતોના કપડાં પોતાના હાથે ધોઈને અદભુત સેવા આપી છે.
આ સેવાયજ્ઞ પાછળનો દીકરીઓનો ભાવ અત્યંત સ્પર્શક અને હૃદયદ્રાવક હતો. છાત્રાલયની દીકરીઓએ તેમના શિક્ષક ઋષિત મસરાણીને ભાવુક સ્વરે કહ્યું હતું કે, “સર, અમારી પાસે દાનમાં આપવા માટે પૈસા નથી, પરંતુ અમે પૂર પીડિતોના કપડાં ધોઈને તેમની સેવા કરવા માંગીએ છીએ.” દીકરીઓની આ નિઃસ્વાર્થ ભાવનાને સન્માન આપતાં તેમને આ સેવા કરવાની તક આપવામાં આવી હતી. દીકરીઓએ પણ કલાકો સુધી ભારે જહેમત ઉઠાવીને તમામ કપડાં સાફ કરી આપ્યા હતા.
પોતાની પાસે ભૌતિક સંપત્તિ ન હોવા છતાં, શારીરિક શ્રમ દ્વારા પૂરગ્રસ્તોની મદદ કરવાની આદિવાસી દીકરીઓની આ કરુણાભરી પહેલે સમાજને માનવતાની સાચી સેવાનો સુંદર સંદેશ આપ્યો છે. આ ઘટના એ વાતની સાબિતી આપે છે કે સેવા માટે માત્ર સંપત્તિની જ નહીં, પરંતુ સંવેદના અને નિઃસ્વાર્થ ભાવથી ભરેલા હૃદયની જરૂર હોય છે. સમાજમાં આ આદિવાસી દીકરીઓના આ ભગીરથ કાર્યની ચોમેર ભારે પ્રશંસા થઈ રહી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!