ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ અને ધરમપુર તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ, ધરમપુરના પ્રમુખ ઋષિત મસરાણીના માર્ગદર્શન હેઠળ વ્યાપક રાહત અને પુનર્વસન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કપરા સમયમાં કુદરતી આપદાનો ભોગ બનેલા અસરગ્રસ્તોને તાત્કાલિક મદદરૂપ થવા માટે ટ્રસ્ટ દ્વારા નિઃસ્વાર્થ ભાવે માનવતાભરી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

પૂરથી પ્રભાવિત જરૂરિયાતમંદ પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાના હેતુથી ટ્રસ્ટ દ્વારા અંદાજે ૧૦,૦૦૦ ફૂડ પેકેટ, ૧,૦૦૦ નાઇટી અને આંતરવસ્ત્રો, ૨૦૦ લિટર દૂધ, ૨,૦૦૦ પાણીની બોટલો, ૫૦ રાશન કિટ તેમજ ૨૦૦ વિક્સ બામની ડબ્બીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પૂરના કારણે પોતાની શૈક્ષણિક સામગ્રી ગુમાવી ચૂકેલા વિદ્યાર્થીઓને ફરીથી શિક્ષણ સાથે જોડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ હતી. જે અંતર્ગત ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, નોટબુક, પેન, પાટિયું, પાણીની બોટલ, લંચબોક્સ, કંપાસ બોક્સ અને કલર સહિતની સંપૂર્ણ સ્ટેશનરી કિટ એનાયત કરવામાં આવી હતી.

માત્ર રાહત સામગ્રીના વિતરણ પૂરતું સીમિત ન રહેતા, ટ્રસ્ટના ૩૫ જેટલા સેવાયોદ્ધાઓએ પૂરગ્રસ્ત વિવિધ વિસ્તારોમાં જઈને સઘન સફાઈ અભિયાન પણ ચલાવ્યું હતું.

સ્વયંસેવકોએ જાતે લોકોના રહેઠાણો અને જાહેર સ્થળોની સફાઈ કરીને નાગરિકોને પુનઃ સામાન્ય જીવન શરૂ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી આ માનવતાભરી કામગીરી સ્થાનિક લોકો માટે આશાનું કિરણ બની છે અને સમાજના અનેક દાતાશ્રીઓ તથા સ્વયંસેવકોના સહયોગથી આ ભગીરથ રાહત કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.
