ગુજરાત એલર્ટ | વલસાડ
૧૨મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને વાપી મહાનગરપાલિકા દ્વારા રોફેલ કોલેજના વિશાળ કેમ્પસ ખાતે થઈ હતી. “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ”ના સંદેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગના માધ્યમથી સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વડાપ્રધાનશ્રી તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીના વિશ્વ યોગ દિવસ નિમિત્તે પ્રસારિત સંબોધનને નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં ૫૦૦થી વધુ નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ગુજરાત યોગ બોર્ડ, વલસાડ જિલ્લાના કો- ઓર્ડિનેટર શ્રીમતી પ્રીતિબેન વૈષ્ણવ દ્વારા વિવિધ યોગાસનો, પ્રાણાયામ તથા ધ્યાનની ક્રિયાઓ કરાવવામાં આવી હતી. યોગ બોર્ડના અન્ય સભ્યોએ પણ યોગાભ્યાસમાં માર્ગદર્શન આપી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ઉપસ્થિતોને નિયમિત યોગાભ્યાસના શારીરિક, માનસિક તથા ભાવનાત્મક લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં વાપી મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી મિતેશ દેસાઈ, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી સતીશભાઈ પટેલ, મહાનગરપાલિકાના કમિશનર શ્રી એન. એફ. ચૌધરી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી કિરણ રાણા, વાપી મહાનગરના સંગઠન પ્રમુખ શ્રી મનીષ દેસાઈ, ચૂંટાયેલા કાઉન્સિલરો, મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોને સ્વસ્થ, સક્રિય અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવી રોગમુક્ત અને તણાવમુક્ત જીવન જીવવાનો સંકલ્પ પણ લેવાયો હતો. આ પ્રસંગે યોગ માત્ર એક કસરત નહીં પરંતુ જીવન જીવવાની વૈજ્ઞાનિક અને સર્વાંગી પદ્ધતિ હોવાનું પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સુચારૂ અને સફળ સંચાલન વાપી મહાનગરપાલિકાના જનસંપર્ક અધિકારી શ્રી રામચંદ્ર દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન માટે મહાનગરપાલિકાના તમામ વિભાગો, અધિકારીઓ, કર્મચારીઓ તથા સહયોગી સંસ્થાઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
