સતત ૫૦ વખત રક્તદાન કરી અનેક લોકોનું જીવન બચાવનાર વલસાડનાં અમિષાબેન શાહ: પિતાની પ્રેરણાથી શરૂ થયેલી સેવાની અવિરત યાત્રા અને ૧૦૦ રક્તદાનનો સંકલ્પ: વલસાડ રકતદાન કેન્દ્ર ખાતે છેલ્લા પાંચ વર્ષમાં રક્તદાતાઓ દ્વારા ૯૫,૮૬૧ યુનિટ રક્ત એકત્ર થયું

ગુજરાત એલર્ટ | વલસાડ
‘રક્તદાન એ જ મહાદાન’ આ માત્ર એક સુત્ર નથી પરંતુ માનવતાની સાચી ઓળખ છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું રક્ત અજાણ્યા લોકોના શ્વાસ ચાલુ રાખવા માટે અર્પણ કરે છે, ત્યારે તે સાચા અર્થમાં પૃથ્વી પરનો દેવદૂત બની જાય છે. આજે ૧૪ જૂન ‘વિશ્વ રક્તદાતા દિવસ’ નિમિત્તે વલસાડનાં એક એવાં જ સમર્પિત મહિલાની પ્રેરણાદાયક વાત કરવી છે, જેમણે રક્તદાન થકી સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વલસાડનાં રહેવાસી અને બે બાળકોનાં માતા અમિષાબેન શાહે અત્યાર સુધીમાં ૫૦ વખત સ્વેચ્છાએ રક્તદાન કરીને અનેક લોકોના જીવનમાં અજવાળું પાથર્યું છે. તેમણે ૨૯ વર્ષની ઉંમરે રક્તદાન કરવાની શરૂઆત કરી હતી, જેની પ્રેરણા તેમને ૨૪ વખત રક્તદાન કરનારા તેમના પિતા પાસેથી મળી હતી. અમિષાબેન વલસાડ રક્તદાન કેન્દ્ર ખાતે નિયમિતપણે સેવા આપે છે અને તેમની ઈચ્છા ૧૦૦ વખત રક્તદાન કરવાની છે. તેઓ ઈશ્વરને હંમેશાં એવી જ પ્રાર્થના કરે છે કે પ્રભુ તેમને પૂરતું હિમોગ્લોબિન આપતો રહે જેથી તેઓ અવિરત રક્તદાન કરી શકે.

અમિષાબેન માને છે કે બ્લડ ડોનેશનમાં મહિલાઓની ભાગીદારી હજુ પણ ઘણી ઓછી છે, તેથી તેમણે તમામ મહિલાઓને કોઈપણ ડર વિના રક્તદાન કરવા માટે અપીલ કરી છે. સમાજમાં પ્રવર્તતી ખોટી માન્યતાઓને દૂર કરતાં તેઓ જણાવે છે કે રક્તદાન કરવાથી મહિલાઓને કોઈ જ શારીરિક તકલીફ પડતી નથી. ૫૦ વખત રક્તદાન કર્યા બાદ પણ તેઓ એકદમ સ્વસ્થ છે. પોતાના સ્વાસ્થ્ય અને હિમોગ્લોબિનને સંતુલિત રાખવા માટે તેઓ રક્તદાનના ૧૫ દિવસ પહેલાંથી પલાળેલી કાળી દ્રાક્ષનું નિયમિત સેવન કરે છે. તેમના મતે, મહિલાઓએ ગેરમાન્યતાઓમાંથી બહાર આવીને નિઃસંકોચપણે આ ઉમદા કાર્યમાં જોડાવું જોઈએ.

અમીષાબેન જેવા અનેક રક્તદાતાઓના સહયોગથી વલસાડ રક્તદાન કેન્દ્ર સેવાનું એક મોટું માધ્યમ બની ચૂક્યું છે. રક્તદાન કેન્દ્રના ડાયરેક્ટર ભાવેશભાઈ રાયચા જણાવે છે કે, વર્ષ ૧૯૮૪માં શરૂ થયેલા વલસાડ કેન્દ્રમાં છેલ્લા પાંચ વર્ષમાં રક્તદાતાઓ દ્વારા ૯૫,૮૬૧ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું છે. આ રક્ત વિવિધ સ્થળે યોજાતા બ્લડ ડોનેશન કેમ્પ અને ઈન-હાઉસ ડોનેશન દ્વારા ભેગું કરવામાં આવે છે, જેમાં ૭૪,૨૪૫ યુનિટ (૭૭.૪૫%) કેમ્પ દ્વારા અને ૨૧,૬૧૬ યુનિટ (૨૨.૫૫%) ઈન-હાઉસ એકત્ર થયું છે. ૮૯,૯૦૪ યુનિટ ભાઈઓ દ્વારા અને ૫,૯૫૭ યુનિટ બહેનો દ્વારા ડોનેટ કરાયું છે.

વર્ષ દરમિયાન અહીં સરેરાશ ૨૨,૦૦૦ થી ૨૩,૦૦૦ યુનિટ રક્ત એકત્ર થાય છે. નોંધનીય છે કે કેન્દ્રના ૧૯ રક્તદાતાઓએ ૧૦૦થી વધુ વખત રક્તદાન કર્યું છે, જ્યારે ૬ રક્તદાતાઓ દુર્લભ ‘બોમ્બે બ્લડ ગ્રુપ’ ધરાવે છે જેઓ ૨૪ કલાક જરૂર પડ્યે રક્તદાન કરી લોકોની રક્ષા કરે છે. અહીંથી ચીખલી, નવસારી, વાંસદા, ડાંગ, દહાણું, પાલઘર અને તલાસરીના જરૂરિયાતમંદોને ૧૪ બ્લડ સ્ટોરેજ સેન્ટર મારફતે લોહી પહોંચાડવામાં આવે છે જેથી લોકોને વલસાડ સુધી આવવું ન પડે.

રક્તદાન કેન્દ્રના સંસ્થાપક અને ગુજરાત સરકારના સિકલસેલ એનિમિયા પ્રોગ્રામના ઓનરરી ડાયરેક્ટરપદ્મશ્રી ડો. યઝદી ઈટાલિયા પણ આ કેન્દ્ર ખાતે ખુબ જ મહત્વની ભુમિકામાં રહ્યા છે. તેમના સિકલસેલ એનિમિયાના સંશોધનને અનુસરીને સિકલસેલ એનિમિયા, થેલેસેમિયા અને હિમોફિલિયાના દર્દીઓને કેન્દ્ર દ્વારા વિનામૂલ્યે લોહી પૂરું પાડવામાં આવે છે. જેમાં વર્ષે ૧૨૦૦ થી ૧૫૦૦ યુનિટ સિકલસેલ અને તેટલા જ યુનિટ થેલેસેમિયાના દર્દીઓને અપાય છે. જોકે, હજુ પણ આ કેન્દ્રને વધુ યુનિટ લોહી એકઠું કરવા માટે નવા રક્તદાતાઓની સતત જરૂર રહે છે.
રક્તદાનના આ જ મહત્વને O-ve (ઓ નેગેટિવ) બ્લડ ગ્રુપ ધરાવતા રક્તદાતા ડો. સત્યજીત રે ખૂબ સારી રીતે સમજે છે. તાજેતરમાં જ જરૂર પડતાં એક જ ફોન કોલ પર તેઓ રક્તદાન કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા અને રક્તદાન કર્યું હતું. પોતે એક ડોક્ટર હોવાથી તેઓ લોહીની માંગ અને માનવ શરીરમાં તેની પ્રક્રિયા વિશે સ્પષ્ટતા કરતાં જણાવે છે કે, રક્તદાન કરવાથી શરીરમાં લોહીની કોઈ જ ઉણપ નથી થતી, પરંતુ શરીરમાં ફરીથી નવું લોહી બની જ જાય છે.
૧૪ જૂન વિશ્વ રક્તદાતા દિવસના અનુસંધાને આ ઉદાહરણો સમાજને એક જ સંદેશ આપે છે કે લોકોએ ખોટી માન્યતાઓ અને ડરથી દૂર રહીને કોઈપણ જાતના સંકોચ વિના રક્તદાન કરવું જ જોઈએ, કારણ કે તમારું આપેલું થોડું રક્ત કોઈકનું આખું જીવન બચાવી શકે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!