વલસાડ તાલુકામાં ૪૦ ગામોના ઘન કચરા વ્યવસ્થાપન માટે સ્વચ્છ ભારત મિશન અને અતુલ ફાઉન્ડેશન વચ્ચે MOU કરવામાં આવ્યા

ગુજરાત એલર્ટ | વલસાડ
૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણ નેજા હેઠળ વલસાડમાં જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેના ભાગરૂપે જીલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ વલસાડ તાલુકામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અને અતુલ ફાઉન્ડેશન (CSR) ના સહયોગથી યોજાયેલી બેઠકમાં તાલુકાની ૩૯ ગ્રામ પંચાયતોના ૪૦ ગામોમાં ઘન કચરાના અસરકારક અને વૈજ્ઞાનિક વ્યવસ્થાપન માટે અતુલ ફાઉન્ડેશન સાથે ત્રિપક્ષીય સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યા હતા.

ગામોમાં સ્વચ્છતા, આરોગ્ય અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી થયેલા આ કરાર અંતર્ગત ઘર, દુકાનો, સંસ્થાઓ અને જાહેર સ્થળોએથી ઉત્પન્ન થતા ભીના અને સૂકા કચરાનું ઉદ્ભવ સ્થાને જ વિભાજન કરવામાં આવશે. ત્યારબાદ આ કચરાનો દૈનિક ધોરણે નિયમિત સંગ્રહ, સુરક્ષિત પરિવહન, પ્રોસેસિંગ અને નિયમો અનુસાર તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવશે.

બેઠક દરમિયાન જિલ્લા ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર અને SWM કન્સલ્ટન્ટશ્રી દ્વારા ‘Solid Waste Management (SWM) Rules 2026’ અને આ કરારના અમલીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી જીગ્નાબેન પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી ધર્મેશભાઈ પટેલ, વલસાડના TDO, ATDO, અતુલ ફાઉન્ડેશનની ટીમ, SBM-G સ્ટાફ, તેમજ વિવિધ ગામોના તલાટીશ્રીઓ અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!