ગુજરાત એલર્ટ | વલસાડ
ધરમપુર તાલુકામાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા શ્રીમદ રાજચંદ્ર મિશનના રાજ ઉપહાર ગૃહની મહિલાઓ દ્વારા પગાર વધારાની માગણી સાથે કરવામાં આવેલી હડતાળમાં ન જોડાયેલી ૨૦૦ જેટલી મહિલાઓએ ધરમપુરના પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી તેમને કામ પર ન આવવા દબાણ કરાતું હોવાનું કહ્યું છે.

ધરમપુર તાલુકાના આસુરા ગામ ખાતે કાર્યરત રાજ ઉપહારની અંદાજે 200 જેટલી મહિલાઓની સહીથી ડેપ્યુટી કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ હતી. જેમાં જણાવાયુ હતું કે તેઓ વર્ષોથી રાજ ઉપહારમાં ખુશીથી કાર્યરત છે અને સંસ્થાએ તેમને રોજગારી તથા આત્મનિર્ભર બનવાની તક આપી છે. તેમણે જણાવ્યું કે તેઓ શાંતિપૂર્ણ રીતે કાર્ય ચાલુ રાખવા માંગે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હડતાળને કારણે દબાણ અને ભયનું વાતાવરણ સર્જાયું છે. કેટલાક લોકો તેમને અને તેમના પરિવારના સદસ્યોને ફોન કરી કામ પર ન જવા અને હડતાળમાં જોડાવા દબાણ કરે છે જેને કારણે ડરનો માહોલ પેદા થયો છે. મહિલાઓએ સ્થાનિક તંત્ર સમક્ષ વિનંતી કરી હતી કે કામ કરવા ઇચ્છતી બહેનોને સુરક્ષા મળવી જોઈએ.
મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે કંપનીમાં કામનું વાતાવરણ સારું છે અને અમને અહીં કોઈ પણ પ્રકારનું શોષણ થતું નથી. તેમને નિયમિત રીતે પગાર, પીએફ, ઇએસઆઈસી સહિતના તમામ કાયદેસરના લાભો પ્રાપ્ત થાય છે અને વર્ષોથી તેઓ સંસ્થામાં સંતોષ સાથે કાર્યરત છે. મહિલાઓએ સ્થાનિક તંત્રને વિનંતી કરી હતી કે સમગ્ર મામલામાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે અને કોઈપણ મહિલા કર્મચારી પર દબાણ ન થાય તેની ખાતરી કરવામાં આવે. રોજગારી તથા પરિવારના ભરણપોષણ માટે આ તેમની નોકરી મહત્વપૂર્ણ આધારરૂપ બન્યું છે.
મહત્વપૂર્ણ છે કે આજે પણ સંસ્થામાં અનેક મહિલા કર્મચારીઓ નિયમિત રીતે કાર્યરત રહી હતી અને આ મહિલાઓએ સમગ્ર મામલાનું શાંતિપૂર્ણ અને ચર્ચા દ્વારા નિરાકરણ આવે તેવી આશા વ્યક્ત કરી હતી.
