ભાજપે વલસાડ જિ. પં.ના પ્રમુખપદે કોલેજના પ્રાધ્યાપિકા પર પસંદગી ઉતારી: હેતલબેને જિલ્લાનું સુકાન સંભાળતા ગ્રામ્ય વિસ્તારોના શૈક્ષણિક વિકાસ અંગે નવી અપેક્ષાઓ જન્મી

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા પંચાયતને આજરોજ એક શિક્ષિત અને શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલું નવું નેતૃત્વ મળ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ જિલ્લાની કોસંબા બેઠક પરથી ચૂંટાયેલા અને કોલેજમાં પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવતા શ્રીમતી હેતલબેન જીતેશભાઈ પટેલ પર વિશ્વાસ વ્યક્ત કરી તેમને જિલ્લા પંચાયતના પ્રમુખ પદે સર્વાનુમતે પસંદ કર્યા છે. શિક્ષણ ક્ષેત્ર સાથે વર્ષોથી જોડાયેલા મહિલા નેતૃત્વને જિલ્લાનું સુકાન મળતાં રાજકીય તેમજ શૈક્ષણિક વર્તુળોમાં આ નિર્ણયને ખાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

વલસાડ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી નર્સિંગ કોલેજના હોલ ખાતે ઉત્સાહભર્યા માહોલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, શાસક પક્ષના નેતા અને દંડકની વરણી પ્રક્રિયા યોજાઈ હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન ભાજપના આગેવાનો, ચૂંટાયેલા સભ્યો અને કાર્યકર્તાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. સર્વાનુમતે થયેલી પસંદગીમાં હેતલબેન પટેલને પ્રમુખપદની જવાબદારી સોંપાતા ખાસ કરીને મહિલા શિક્ષણ અને ગ્રામ્ય વિસ્તારોના શૈક્ષણિક વિકાસ અંગે નવી અપેક્ષાઓ જન્મી છે.

શિક્ષણક્ષેત્રમાં કાર્યરત મહિલા નેતૃત્વ જિલ્લા પંચાયતના શિખરે પહોંચતા હવે શિક્ષણ, યુવતીઓના ઉચ્ચ અભ્યાસ, ગ્રામ્ય શાળાઓના માળખાકીય વિકાસ અને શિક્ષણમાં ગુણવત્તા વધારવા જેવા મુદ્દાઓને વધુ પ્રાથમિકતા મળશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. હેતલબેન પટેલના સ્વભાવમાં સાદગી સાથે શૈક્ષણિક સમજ અને વિદ્યાર્થીઓ સાથેનો લાંબો અનુભવ હોવાથી તેઓ વિકાસના કાર્યોમાં માનવકેન્દ્રિત અભિગમ અપનાવશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
આ સાથે ઉપપ્રમુખ પદે ડહેલી બેઠકના શ્રી શૈલેષભાઈ નાનુભાઈ પટેલની પસંદગી કરવામાં આવી હતી. કારોબારી અધ્યક્ષ તરીકે ઉમરસાડી બેઠકના શ્રી પ્રજ્ઞેશભાઈ બળવંતરાય પટેલ, શાસક પક્ષના નેતા તરીકે પાનેરા બેઠકના શ્રી જયભાઈ મુકુંદભાઈ ત્રિવેદી અને દંડક તરીકે આવધા બેઠકના શ્રીમતી અનિલાબેન હરેશભાઈ જોગારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

આ અવસરે ભારતીય જનતા પાર્ટીના વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ તેમજ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા, તાલુકા અને શહેર સંગઠનના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી નવી ટીમનું સ્વાગત કર્યું હતું.

જિલ્લા પંચાયતના પ્રમુખ પદે એક શિક્ષિત મહિલા નેતૃત્વની પસંદગીને મહિલાઓ માટે પ્રેરણારૂપ માનવામાં આવી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની યુવતીઓ માટે આ ઘટના એ સંદેશ આપી રહી છે કે શિક્ષણ અને સમાજસેવાના આધારે મહિલાઓ પણ હવે જિલ્લાની સર્વોચ્ચ સ્થાનિક સંસ્થાઓનું નેતૃત્વ સંભાળી શકે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!