ગુજરાત એલર્ટ | વાપી
28 એપ્રિલ 2026ના રોજ યોજાયેલી મતગણતરી પૂર્ણ થતાં જ પરિણામોએ સાબિત કરી દીધું કે વાપીના મતદારોે આ વખતે ભાજપ પર જ વિશ્વાસ મૂક્યો છે. કુલ 13 વોર્ડની 52 બેઠકોમાંથી ભાજપે 37 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે અને મહાનગરપાલિકા પર કબજો જમાવ્યો છે. બીજી તરફ કોંગ્રેસને 11 બેઠકો પર સંતોષ માનવો પડ્યો છે, જ્યારે 4 બેઠકો અપક્ષ ઉમેદવારોના ફાળે ગઈ છે.
વાપી, જે ઔદ્યોગિક શહેર તરીકે ઓળખાય છે, ત્યાંના મતદારો વિકાસના મુદ્દાઓને ખાસ મહત્વ આપે છે. રસ્તા, પાણી, સ્વચ્છતા અને રોજગારી જેવા પ્રશ્નો અહીં હંમેશા ચૂંટણીના કેન્દ્રમાં રહેતા આવ્યા છે. આ વખતે ભાજપે પોતાના અભિયાનમાં આ તમામ મુદ્દાઓને અસરકારક રીતે આગળ ધપાવ્યા હતા અને તેનો સીધો ફાયદો ચૂંટણી પરિણામોમાં જોવા મળ્યો છે. વોર્ડ નંબર 1થી લઈને વોર્ડ નંબર 9 સુધી ભાજપના ઉમેદવારોે જોરદાર પ્રદર્શન કરી જીત નોંધાવી છે, જેના કારણે શરૂઆતથી જ પાર્ટી મજબૂત સ્થિતિમાં આવી ગઈ હતી.
કોંગ્રેસ માટે વોર્ડ નંબર 10 થોડી રાહત લઈને આવ્યું, જ્યાં આખી પેનલ જીતવામાં સફળ રહી હતી. ઉપરાંત, કેટલાક વોર્ડમાં કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોે પણ ટક્કર આપતી લડત આપી હતી. ખાસ કરીને વોર્ડ નંબર 12માં અપક્ષ ઉમેદવારોે સંપૂર્ણ પેનલ સાથે જીત મેળવીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ આ જીત બાદ અપક્ષ ઉમેદવારોે ભાજપને સમર્થન જાહેર કરતા સત્તાનું સંતુલન વધુ મજબૂત રીતે ભાજપ તરફ વળી ગયું છે.
આ ચૂંટણીમાં એક રસપ્રદ પાસું એ પણ રહ્યું કે શહેરમાં લાંબા સમયથી અટકેલી વાપી-દમણ ઓવરબ્રિજની કામગીરીને લઈને લોકોમાં અસંતોષ હતો. સ્થાનિક સ્તરે એવી ચર્ચા ચાલી રહી છે કે આ મુદ્દાના કારણે કોંગ્રેસને કેટલીક બેઠકો મળી શકી. જો આ સમસ્યા ન હોત તો કોંગ્રેસને મળેલી બેઠકોની સંખ્યા કદાચ હજુ ઓછી રહી હોત એવું માનવામાં આવે છે.
