ગુજરાત એલર્ટ | ખેરગામ
ખેરગામ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામોએ આખા વિસ્તારમાં રાજકીય ગરમાવો પેદા કરી દીધો છે. કુલ 16 બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપે 11 બેઠકો જીતતા સ્પષ્ટ બહુમતી મેળવી સત્તા પર કબજો જમાવ્યો છે, જ્યારે કોંગ્રેસને 5 બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો છે. પરિણામોમાં અનેક જગ્યાએ કાંટેદાર ટક્કર જોવા મળી હતી, તો કેટલીક બેઠકો પર એકતરફી જીતે રાજકીય ચિત્ર વધુ રસપ્રદ બનાવી દીધું છે.

આછવણી-1 બેઠક પર કોંગ્રેસના ગીરીશભાઈ પરભૂભાઈ પટેલે 1480 મત મેળવી ભાજપના ભગુભાઈ નરસિંહભાઈ પટેલને 245 મતથી હરાવ્યા હતા, જ્યારે આછવણી-2 બેઠક પર ભાજપના જશવંતભાઈ બરજુભાઈ પટેલે 1194 મત મેળવી કોંગ્રેસના ઉજ્જવલકુમાર પ્રભાતભાઈ પટેલને 230 મતથી પાછળ મૂક્યા હતા.
બહેજ બેઠક પર કોંગ્રેસની રિમ્પલકુમારી ઈલેશભાઈ પટેલે 1696 મત મેળવી ભાજપની મયુરીબેન જિગ્નેશભાઈ પટેલને 165 મતથી હરાવ્યા હતા. ડેબરપાડા બેઠક પર ભાજપની છાયાબેન પ્રકાશભાઈ પટેલે 1525 મત મેળવી કોંગ્રેસની જમનાબેન અરવિંદભાઈ દેશમુખને 598 મતથી પરાજય આપ્યો હતો.

જામનપાડા બેઠક પર ભાજપના અનિલભાઈ રવજીભાઈ પટેલે 1022 મત મેળવી કોંગ્રેસના ગણેશભાઈ તુલજીભાઈ પટેલને 118 મતથી હરાવ્યા હતા. ખેરગામ-1 બેઠક પર ભાજપની જીગ્નાબેન હર્ષદભાઈ પટેલે 1071 મત મેળવી કોંગ્રેસની સુમિત્રાબેન સુમનભાઈ પટેલને 406 મતથી હરાવ્યા હતા. ખેરગામ-2 બેઠક પર ભાજપના મુકેશભાઈ ધીરુભાઈ પટેલે 1233 મત મેળવી કોંગ્રેસના વિમલભાઈ સુરેશભાઈ પટેલને 314 મતથી પાછળ મૂક્યા હતા. ખેરગામ-3 બેઠક પર ભાજપની રશ્મિબેન શૈલેશભાઈ ટેલરે 1265 મત મેળવી કોંગ્રેસની સુમિત્રાબેન સુમનભાઈ પટેલને 343 મતથી હરાવ્યા હતા.
ખેરગામ-4 બેઠક પર ભાજપની હીનાબેન મુકેશભાઈ પટેલે 1365 મત મેળવી કોંગ્રેસની ડિમ્પલબેન નિતિનભાઈ પટેલને 448 મતથી હરાવ્યા હતા, જ્યારે ખેરગામ-5 બેઠક પર કોંગ્રેસના રાજનકુમાર વિનોદભાઈ પટેલે 1150 મત મેળવી ભાજપના રાજેશભાઈ નગીનભાઈ પટેલને 60 મતથી જીત મેળવી હતી. નાંધઈ બેઠક પર ભાજપના પૂર્વેશકુમાર ધીરુભાઈ ખાંડાવાળાએ 2005 મત મેળવી કોંગ્રેસના રણધીરભાઈ ભીમભાઈ કાલંદરને 1184 મતના ભારે અંતરથી હરાવી સૌથી મોટી જીત નોંધાવી હતી. પાણીખડક બેઠક પર ભાજપની હંસાબેન મહેશભાઈ દેસાઈએ 1870 મત મેળવી કોંગ્રેસની સંગીતાબેન સતીશભાઈ પટેલને 1012 મતથી હરાવ્યા હતા.
પાટી બેઠક પર કોંગ્રેસની કમળાબેન રમુભાઈ માહલાએ 1154 મત મેળવી ભાજપની પ્રવિણાબેન દિલીપભાઈ ચૌધરીને 108 મતથી હરાવ્યા હતા, જ્યારે તોરણવેરા બેઠક પર કોંગ્રેસની શિલ્પાબેન ભાવેશકુમાર વાંઢુએ 1892 મત મેળવી ભાજપની નીતાકુમારી દિલીપભાઈ રાવતને 485 મતથી હરાવ્યા હતા. વાડ-1 બેઠક પર ત્રિકોણીય જંગમાં કોંગ્રેસના દિગેશકુમાર ધીરુભાઈ પટેલે 940 મત મેળવી ભાજપના સુરેન્દ્રભાઈ હરેશભાઈ પટેલને માત્ર 6 મતના નાનકડા અંતરથી હરાવ્યા હતા, જે સમગ્ર ચૂંટણીમાં સૌથી નાની હાર તરીકે નોંધાઈ છે. વાડ-2 બેઠક પર ભાજપના ચેતનકુમાર રમણભાઈ પટેલે 1225 મત મેળવી કોંગ્રેસના અલ્પેશભાઈ અમૃતભાઈ પટેલને 258 મતથી હરાવ્યા હતા.


સૌથી મોટી જીત નાંધઈ બેઠક પર પૂર્વેશ ખાંડાવાળાની રહી છે, જ્યારે સૌથી નાની હાર વાડ-1 બેઠક પર માત્ર 6 મતના અંતરે નોંધાઈ છે, જે આ ચૂંટણીને વધુ રસપ્રદ અને ચર્ચાસ્પદ બનાવી હતી.
