ધરમપુર ખાતે ગુજરાત રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદનું અર્ધવાર્ષિક સંમેલન યોજાયું

ગુજરાત એલર્ટ | ધરમપુર
સમગ્ર ગુજરાતમાં શ્રી રામકૃષ્ણ વિવેકાનંદના ભાવપ્રચાર માટે કાર્યરત વિવિધ કેન્દ્રોના અર્ધવાર્ષિક સંમેલનનું આયોજન ધરમપુર ખાતે કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં રાજ્યભરના વિવિધ કેન્દ્રોના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે થઈ હતી. ત્યારબાદ ધાણેટી, સુરત, વાંસદા, કિમ, અંકલેશ્વર, બિદડા, લખપત, અંજાર, કચ્છ, આણંદ, કાપોદ્રા, બીલીમોરા, ધરમપુર, કપરાડા, દમણ, વાપી, સેલવાસ અને ઉપલેટા જેવા વિવિધ કેન્દ્રોના પ્રતિનિધિઓએ છેલ્લા છ મહિનાની પોતાની પ્રવૃત્તિઓના વિગતવાર અહેવાલો રજૂ કર્યા હતા.
આ સંમેલનમાં બેલુરમઠ, કોલકાતા તરફથી નિમાયેલા પ્રતિનિધિ સ્વામી સેવાવ્રતાનંદજી મહારાજે ગુજરાતમાં ચાલી રહેલી ભાવપ્રચાર પ્રવૃત્તિઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે આગલા સમયમાં રાજ્યના દરેક જિલ્લામાં રામકૃષ્ણ ભાવધારાનું એક કેન્દ્ર સ્થાપિત થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
ગુજરાતમાં વિવિધ પ્રવૃત્તિઓના માર્ગદર્શક સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે ધરમપુર ખાતે નવનિર્મિત શ્રી રામકૃષ્ણ મંદિરના રવિવારે યોજાનારા ઉદ્ઘાટન અને લોકાર્પણ પ્રસંગને આવકારતાં તમામ કેન્દ્રોને શૈક્ષણિક, આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા પ્રેરિત કર્યા હતા. સ્વામી આત્મદીપાનંદજી મહારાજે યુવાનોને વધુમાં વધુ પુસ્તકો વાંચવાની પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે નવા નિયુક્ત યુવા સંયોજકોએ પણ પોતાના કેન્દ્રોના અહેવાલો રજૂ કર્યા હતા અને ભવિષ્યની કામગીરી માટે માર્ગદર્શન મેળવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સ્વામી નિખિલેશ્વરાનંદજી (રાજકોટ), સ્વામી આત્મદીપાનંદજી (પોરબંદર), સ્વામી સુખાનંદજી (ભુજ), સ્વામી પ્રભુસેવાનંદજી (અમદાવાદ), સ્વામી ગુણાશ્રેયાનંદજી (લીંબડી), સ્વામી સેવાવ્રતાનંદજી (બિલાસપુર), સ્વામી ઈષ્ટમયાનંદજી (વડોદરા) અને સ્વામી મંત્રેશાનંદજી (આદિપુર)એ પોતાના માર્ગદર્શક વક્તવ્યો દ્વારા ભાવિ આયોજન અંગે મૂલ્યવાન સૂચનો આપ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન બકુલેશભાઈ એસ. ધોળકિયાએ કર્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!