ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ માટે વિશેષ કાર્યકર્તા બેઠક યોજાઈ હતી જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવી જંગી બહુમતીથી વિજય મેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા ભાજપ દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

વલસાડના મા રિસોર્ટ ખાતે યોજાયેલી આ બેઠક જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠકમાં પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી પ્રશાંતભાઈ કોરાટ તેમજ ગુજરાત સરકારના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત પ્રદેશ ઉપાધ્યક્ષ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી (જૈન) તેમજ જિલ્લા પ્રભારી વિનયભાઈ શુક્લા પણ હાજર રહ્યા હતા.

બેઠકની શરૂઆતમાં જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારાએ તમામ મહાનુભાવો અને કાર્યકર્તાઓનું સ્વાગત કરીને ચૂંટણી માટેની દિશા રજૂ કરી હતી. ત્યારબાદ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના તમામ ઉમેદવારોને જીતાડવા માટે સરકારની યોજનાઓ જનતા સુધી પહોંચાડવી જરૂરી છે અને તેના માટે મજબૂત રણનીતિ બનાવવી જરૂરી છે.

પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી પ્રશાંતભાઈ કોરાટે સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે દરેક કાર્યકર્તાએ શક્તિ કેન્દ્ર અને બૂથ લેવલ સુધી સક્રિય રહી કાર્ય કરવું જોઈએ અને પ્રચાર-પ્રસારને વધુ તેજ બનાવી ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે સંકલ્પબદ્ધ થવું જોઈએ.

આ બેઠકમાં જિલ્લા મહામંત્રી કમલેશભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સહિત સંગઠનના હોદ્દેદારો, વિવિધ મંડળોના પ્રમુખો અને મહામંત્રીઓ, મોરચાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
