ગુજરાત એલર્ટ | વલસાડ
અખિલ ભારતીય મુલ્કી પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં પારડી સાંઢપોર પ્રાથમિક શાળાના શિક્ષિકા મેઘા પાંડેે મહિલા દિનના દિવસે ચંડીગઢ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી સમગ્ર વલસાડ તેમજ ગુજરાત રાજ્ય સેક્રેટરિયેટ તરફથી ગુજરાતનું નામ ગૌરવપૂર્વક રોશન કર્યું છે. તેમની આ સિદ્ધિ માત્ર એક વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમગ્ર મહિલા જગત માટે પ્રેરણાદાયક અને ઉદાહરણરૂપ સાબિત થઈ છે કે માણસ સાચી મહેનત, અડગ સંકલ્પ, લગન અને આત્મવિશ્વાસ સાથે પ્રયત્ન કરે તો કોઈપણ ઉંમરે જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકે છે.
ખાસ કરીને મહિલા દિનના દિવસે મળેલી આ સફળતા તમામ મહિલાઓ માટે એક શક્તિશાળી સંદેશ આપે છે કે સ્ત્રીઓ એ પણ સમજવું જોઈએ કે કોઈ પણ ઉંમર પછી જીવનમાં નવા સપના સાકાર કરી શકાય છે. જો ઇચ્છાશક્તિ મજબૂત હોય તો ઉંમર કોઈ અવરોધ નથી.
આ સફળતા પાછળ મેઘા પાંડેની સતત મહેનત, કડક શિસ્ત, નિયમિત તાલીમ અને યોગ્ય ડાયટનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમની આ સિદ્ધિ પાછળ તેમના અનુભવી અને સમર્પિત ગુરુ રોન આલ્મેડાનું વિશેષ માર્ગદર્શન રહ્યું છે. રોન આલ્મેડા દ્વારા તેમને પાવર લિફ્ટિંગ તેમજ વેઇટ લિફ્ટિંગ માટે વૈજ્ઞાનિક અને સુવ્યવસ્થિત ટ્રેનિંગ આપવામાં આવે છે જેથી તેઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે અને સાથે પોતાનું સ્વાસ્થ્ય પણ સારી રીતે જાળવી શકે. સ્ટેમિના અને શક્તિ વધારવા માટે તેઓ ખાસ ફંક્શનલ ટ્રેનિંગ પણ કરાવે છે.
મેઘા પાંડેની સફળતા પાછળ તેમના પતિ પ્રજ્ઞેશ પાંડેનો અવિરત સહકાર, પ્રોત્સાહન અને મજબૂત સાથ પણ એટલો જ મહત્વપૂર્ણ રહ્યો છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેઓ ચંડીગઢમાં તેમની સાથે રહી દરેક ક્ષણે પ્રેરણાનું સ્ત્રોત બન્યા હતા. વર્ષ દરમિયાન પણ તેઓ સતત તેમને પ્રોત્સાહિત કરી આગળ વધવા માટે પ્રેરણા આપે છે. પરિવારની જવાબદારીઓ તથા બાળકોની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે બંને મળીને સુંદર તાલમેલ સાથે બધું સંભાળી લે છે, તેમજ બંને દીકરીઓ પણ પોતાના ક્ષેત્ર માં આગળ વધી રહી છે. જે એક આદર્શ પરિવારના ઉત્તમ ઉદાહરણ તરીકે ઉભર્યું છે.
મેઘા પાંડેની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ તેમના સમગ્ર પરિવારજનો, શાળાના મુખ્ય શિક્ષક કિર્તેશભાઈ ગોહિલ તેમજ શાળા પરિવાર, મિત્રો તથા શિક્ષકગણ દ્વારા તેમને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. સૌએ આશા વ્યક્ત કરી છે કે તેઓ ભવિષ્યમાં પણ આવી જ મહેનત અને અડગ સંકલ્પ સાથે વધુ મોટી સફળતાઓ પ્રાપ્ત કરી ગુજરાત અને દેશનું નામ વધુ ઉજ્જવળ બનાવશે.
