શ્રી વિશ્વકર્મા મહિલા મંડળ દ્વારા ‘વિશ્વ મહિલા દિવસ’ નિમિતે ફેશન શો અને મિસ મેચિંગ સ્પર્ધા યોજાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
શ્રી વિશ્વકર્મા મહિલા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રભુ સ્મરણ અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ અવસરે મહિલાઓની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્પર્ધાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ઉજવણીના મુખ્ય આકર્ષણમાં ફેશન શો અને મિસ મેચિંગ સ્પર્ધા રહ્યા હતા. મિસ મેચિંગ સ્પર્ધામાં મંડળના આશરે ૨૫ થી ૩૦ સભ્યોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મહિલાઓએ જીન્સ પેન્ટ પર સાડી, એક પગમાં ચંપલ અને બીજા પગમાં બૂટ જેવી અતરંગી વેશભૂષા અને હેરસ્ટાઇલ ધારણ કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

નિર્ણાયક અને અતિથિ વિશેષ
આ સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય નિર્ણાયક તરીકે ડૉ. રશ્મિબેન દેસાઈ અને ટ્વિંકલ પાંડે ઉપસ્થિત રહ્યા હતા. રશ્મિબેન ૪૦ વર્ષ સુધી અધ્યાપક, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલ તરીકે સેવા આપી નિવૃત્ત થયા છે. જ્યારે ટ્વિંકલ પાંડેને ૧૫ વર્ષ કરતાં વધુ યોગનો અનુભવ છે. તેમણે મહિલાઓમાં આત્મવિશ્વાસ કેળવવા અને જીવનના વિકાસમાં આર્ટ તેમજ યોગનું મહત્વ સમજાવ્યું હતું.

ફેશન શો અને વિવિધ સ્પર્ધાઓના અંતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ નંબર: શ્રીમતી મીનાબેન ગિરિશભાઈ મિસ્ત્રી, દ્વિતીય નંબર: શ્રીમતી નીલાબેન સુરેશભાઈ ચાંપાનેરિયા, તૃતીય નંબર: શ્રીમતી ચેતનાબેન બિપિનભાઈ ચાંપાનેરિયા આવ્યા હતા. કાર્યક્રમના અંતે નિર્ણાયકોના હસ્તે તમામ વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આમ, શ્રી વિશ્વકર્મા મહિલા મંડળ દ્વારા ખૂબ જ સુંદર અને યાદગાર રીતે વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!