વલસાડમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી અંતર્ગત માતૃભાષા મહોત્સવ-૨૦૨૬ની ઉજવણી કરાઈ: ‘‘આજનાં પત્રકાર, આજનું પત્રકારત્વઃ સંજોગો અને પડકારો’’ ઉપર વિચારો રજૂ થયા

ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને પત્રકાર વેલ્ફેર એસોસિએશન, વલસાડ તથા પુસ્તક પરબ, વલસાડના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા સપ્તાહ અંતર્ગત વલસાડના ડો.આંબેડકર ભવનમાં માતૃભાષા મહોત્સવ-૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પત્રકાર જગતની જૂની અને નવી પેઢીના પત્રકારોએ ગુજરાતી પત્રકારત્વના પરિપ્રેક્ષ્યમાં માતૃભાષાનું મહિમાગાન કરી મીડિયા જગતને અનેક નવા વિચારો અને દિશાદર્શન કર્યુ હતું.

આ ઉજવણીમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાતમિત્ર અખબારના ડિજિટલ હેડ જ્વલંત નાયકે ‘‘આજનાં પત્રકાર, આજનું પત્રકારત્વઃ સંજોગો અને પડકારો’’ વિષય પર પોતાની મનનીય વક્તવ્ય આપતા જણાવ્યું કે, કેટલીકવાર એવી ફરિયાદ ઉઠતી હોય છે કે, પત્રકારો અતિશયોક્તિ કરે છે પરંતુ હકીકતમાં પત્રકારો સમાજનું સાચુ ચિત્ર બતાવે છે. પહેલાના સમયમાં પત્રકારત્વ એક મિશન- ક્રાંતિના રૂપમાં થતુ હતું પરંતુ જમાના પ્રમાણે પત્રકારત્વની વ્યાખ્યા પણ બદલાય છે, આજનું પત્રકારત્વ સંજોગોને આધીન હોય છે. આજે જ્યારે આપણે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી સંદર્ભે આ કાર્યક્રમ યોજી રહ્યા છે ત્યારે ગુજરાતી ભાષા વિશે કડવી વાસ્તવિકતા જોવા મળે છે, આજે દરેક માતા-પિતા પોતાના બાળકને અંગ્રેજીમાં ભણાવવાની ઘેલછા રાખે છે અને વધતી જતી સ્પર્ધા વચ્ચે પોતાનું બાળક ટકી રહી તે માટે આ ઘેલછા સ્વાભાવિક પણ છે પરંતુ બાળકને પોતાની માતૃભાષા ગુજરાતીનું જ્ઞાન અને ગૌરવ હોવુ જરૂરી છે. માતૃભાષાનું જ્ઞાન બાળકને હશે તો આપણી ગૌરવવંતી સંસ્કૃતિ અને પરંપરા જળવાઈ રહેશે. આજે ગુજરાતી ભાષાનું મહત્વ ઘટી રહ્યુ છે.

સાંપ્રત સમયમાં મીડિયા જગતમાં ટેકનોલોજી અને એઆઈનો પ્રવેશ થતા ગુજરાતી પત્રકારત્વે અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો હોવાનું શ્રી નાયકે જણાવી કહ્યું કે, નવી પેઢીના પત્રકારોમાં ભાષા સજ્જતા ખૂબ ઓછી થતી જાય છે. સ્માર્ટ ટેકનોલોજીએ માણસને ઠોઠ નિશાળીયા જેવા બનાવી દીધા છે. ટેકનોલોજીના ઉપયોગના કારણે શબ્દોનો અર્થનો અનર્થ થઈ રહ્યો હોવાના કેટલાક ઉદાહરણો પણ તેમણે રમૂજી શૈલીમાં આપ્યા હતા. વધુમાં તેમણે પત્રકારો આજના સમયમાં કેવી પરિસ્થિતિમાં કામ કરે છે, તેમના પરિવારની હાલત કેવી હોય છે તે અંગે પણ દ્રષ્ટાંતો રજૂ કર્યા હતા. આજે પત્રકારોને સ્પર્શતા સંવેદનશીલ મુદ્દે આપણે સૌ ચર્ચા કરી રહ્યા છે એ જ પોઝિટિવ ન્યુઝ છે. વધુમાં તેમણે ભારતના પ્રથમ પત્રકાર તરીકે જાણીતા જેમ્સ અગસ્ત હિક્કીના યોગદાન અંગે પણ પ્રકાશ પાડ્યો હતો.

વર્ષો સુધી મુંબઈમાં પત્રકારત્વ અને કોલમિસ્ટ તરીકે કાર્યરત શ્રી વિનીત શુક્લ એ “સ્વયં જાગતું ને રાષ્ટ્રને જગાડતું પત્રકારત્વ” વિષય ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું કે, આજે આપણે સૌ માતૃભાષા સપ્તાહની ઉજવણી કરી રહ્યા છે ત્યારે દરેક ગુજરાતીઓ માટે ગર્વની વાત છે કે, ગુજરાતી ભાષામાં શરૂ થયેલું મુંબઈ સમાચાર દૈનિક અખબારનું ૨૦૪ વર્ષ ચાલી રહ્યું છે. સમગ્ર એશિયા ખંડમાં ચાર પ્રમુખ અખબારોની સરખામણીએ તે આજે પણ નિયમિત રીતે રોજ પ્રસિધ્ધ થતું સૌથી જૂનામાં જૂનું અખબાર છે. તેણે ૨૦૦ વર્ષ પૂર્ણ કર્યા તેના માનમાં ભારત સરકારે મુંબઈ સમાચારના નામની ટિકિટ પણ બહાર પાડી છે. વધુમાં તેમણે ગાંધીજીના પરિપ્રેક્ષ્યમાં પત્રકારત્વ સમજાવતા જણાવ્યું કે, ગાંધીજી વિરલતમ પત્રકાર હતા. તેમણે હરિજન અને યંગ ઈન્ડિયા અખબાર દ્વારા દેશની આઝાદીની લડતમાં તમામ દેશવાસીઓને જગાડી દેશદાઝની ભાવના પેદા કરી રાષ્ટ્ર ભક્તિમાં જોડ્યા હતા. વર્તમાન સમયમાં જેણે પણ પત્રકારત્વ કરવું છે તેણે સતત વાંચન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તેમણે આવા કાર્યક્રમ કરવા બદલ પત્રકાર વેલ્ફેર એસોસિયેશનને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

દમણગંગા ટાઈમ્સના નિવાસી તંત્રીશ્રી વિકાસભાઈ ઉપાધ્યાયે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીનો ઈતિહાસ અને તેમાં પત્રકારત્વના યોગદાન વિશે માહિતીસભર વકતવ્ય આપી હાલના સમયમાં સમાચાર (ન્યૂઝ)ની માહિતીનો સોર્સ આધારભૂત હોવો જોઈએ. નિર્ભય અને નિષ્પક્ષ દ્રષ્ટિભાવ ધરાવતું પત્રકારત્વની સમાજની જરૂર હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતું.

ગુજરાતમિત્રના વાપીના બ્યુરો ચીફ શ્રી હનિફભાઈ મેહરીએ નવી પેઢી અને જૂની પેઢીના પત્રકારત્વ અંગે પોતાનો વિચારો જણાવી હાલની પેઢીના પત્રકારોને જણાવ્યું કે, મીડિયા જગતમાં પ્રિન્ટ, ઈલેકટ્રોનિક કે પછી સોશિયલ મીડિયા હોય, માધ્યમ ગમે તે હોય પણ કન્ટેન્ટની ગુણવત્તા અને વિશ્વસનીયતા સૌથી વધુ હશે તે સ્પર્ધામાં ટકી શકશે. તેમણે ગઝલ દ્વારા ગુજરાતી ભાષાનો મહિમા સમજાવ્યો હતો.

આ કાર્યક્રમના આયોજન અંગે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો.ભાગ્યેશ જ્હાએ પ્રેરણા પુરી પાડી શુભેચ્છા પાઠવતા ઓડિયો મેસેજ દ્વારા સૌ પત્રકારોને પ્રોત્સાહિત કર્યા હતા. વકતાઓનો પરિચય કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેનશ્રી અપૂર્વ પારેખ અને પુસ્તક પરબના હાર્દિક પટેલે કર્યું હતું. સ્વાગત પ્રવચન પત્રકાર વેલ્ફેર એસોસિએશનના પ્રમુખશ્રી હર્ષદ આહિરે કર્યુ હતું જ્યારે આભારવિધિ વરિષ્ઠ પત્રકાર ડો.બ્રિજેશ શાહે કરી હતી. આ કાર્યક્રમમાં પત્રકારો, બુધ્ધીજીવીઓ અને પ્રબુધ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પુસ્તક પરબના ચેરપર્સન અને મોટાપોંઢાની આટર્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રો.ડો.આશાબેન ગોહિલે કર્યુ હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!