ગુજરાત એલર્ટ | વલસાડ
ધરમપુરના મહારાણા શ્રી વિજયદેવજી સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત તથા કોલેજના આદ્યસ્થાપકશ્રી નાનુભાઈ એમ. દેસાઈની પ્રતિમાનું અનાવરણનો સમારોહ ધરમપુરના બામટી ગામે આવેલી વનરાજ કોલેજના પટાંગણમાં રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને અને લોકસભાના દંડક -વ- સાંસદશ્રી ધવલભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત કુલ રૂ. ૨,૭૬,૪૯,૨૦૦ ના ખર્ચે કોલેજમાં કમ્પ્યૂટર લેબ, સ્કિલ એનહેસમેન્ટ લેબ, મુક સ્ટુડિયો અને સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ અને રૂ. ૭૫ લાખના ખર્ચે કોલેજના કેમ્પસમાં નિર્માણ થનાર નવી બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વર્ષ ૧૯૮૪માં ધરમપુરના આદિવાસી વિસ્તારમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનાર નાનુભાઈ એમ દેસાઈને શ્રદ્ધાંજલિ પાઠવી જણાવ્યું કે, વાપીમાં ૧૯૬૫ માં જીઆઇડીસીની સ્થાપના થઇ અને ૧૯૯૦માં પ્રથમ કોલેજની સ્થાપના થઇ હતી, જ્યારે દીર્ઘદ્રષ્ટિ ધરાવતા નાનુભાઈ દેસાઈએ વર્ષ ૧૯૮૪ માં ચાર દાયકા પૂર્વે સંપૂર્ણ આદિવાસી વિસ્તાર એવા ધરમપુરમાં શિક્ષણની ભૂખ સંતોષવા આ વનરાજ કોલેજની સ્થાપના કરી હતી. અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીઓએ અહીં શિક્ષણ મેળવી ઉચ્ચ હોદ્દા પર બિરાજી રહ્યા છે. નાનુભાઈ એ શરૂ કરેલી આ શિક્ષણ યાત્રાને આપણે સૌ આગળ વધારી શિક્ષણની જ્યોત હંમેશા ઝળહળતી રાખીએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યારે ઉમરગામથી અંબાજી સુધી વિકાસના અનેક કાર્યો કર્યા હતા અને મહત્વપૂર્ણ ગણાતી વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી હતી.

ધરમપુરના આદિવાસી વિસ્તારમાં આવેલી વનરાજ કોલેજમાં વિવિધ પ્રકારની અદ્યતન લેબ બનાવવા બદલ ટ્રસ્ટી મંડળને અભિનંદન પાઠવી લોકસભાના દંડક અને સાંસદશ્રી ધવલભાઈ પટેલે જણાવ્યું કે, સ્કિલ એનહેસમેન્ટ લેબ, કમ્પ્યુટર લેબ, મોક રેકોર્ડિંગ સ્ટુડિયો અને સ્માર્ટ ક્લાસથી વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપ થશે અને દેશનું નામ રોશન કરશે. કોલેજીયન વિદ્યાર્થીઓને શીખ આપતા સાંસદશ્રીએ વધુમાં જણાવ્યું કે, ભણતરથી બુદ્ધિપૂર્વક, વિવેકપૂર્વક અને સમજણપૂર્વક કાર્ય કરી પોતાનો અને રાષ્ટ્રનો વિકાસ કરી શકીશું. વધુમાં તેમણે ભણતરની સાથે સ્કિલ વિકસાવવા ઉપર પણ ભાર મૂકી જણાવ્યું કે, અત્યારે એ આઈ નો જમાનો છે એટલે એની સ્કિલ ડેવલપ કરવી જરૂરી છે, થોડા સમય બાદ બીજી કોઈ નવી ટેકનોલોજી આવશે તો તે પણ શીખવી જરૂરી છે. જરૂરીયાત મુજબ સ્કિલ અપડેટ કરતા રહીશું તો ઘરે બેસવાનો ક્યારેય વારો નહિ આવે.
ધરામપુના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં આદિવાસી વિસ્તારમાં આ કોલેજ દ્વારા શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવામાં માટે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપનાર નાનુભાઈ દેસાઈના પ્રશંસનીય કાર્યોને યાદ કરી બિરદાવ્યા હતા. વધુમાં તેમણે આગામી દિવસોમાં હોસ્ટેલના નિર્માણ અંગે પણ વાતો કરી હતી. આ તબક્કે કોલેજના વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને શિક્ષણેતર વિશિષ્ટ સિદ્ધીઓનું પણ મહેમાનશ્રીઓ દ્વારા બહુમાન કરાયું હતું.

આ પ્રસંગે ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ પિયુષ માહલા, બામટી ગામના સરપંચ વિજય પાનેરિયા, દાતા શ્રી રાકેશકુમાર શાહ, ઉપપ્રમુખ ધનેશ ચૌધરી, નવસારી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ભીખુભાઇ આહિર, ધરમપુર શહેર સંગઠનના પ્રમુખ અમિત ચોરેરા, તાલુકા સંગઠન પ્રમુખ કેતન વાઢુ, કોલેજના નિવૃત આચાર્ય યોગેશભાઈ ભટ્ટ, પ્રાંત અધિકારી આર.સી.પટેલ અને મામલતદાર હાર્દિક ધોળીયા સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સ્વાગત પ્રવચન કોલેજના આચાર્ય ખંડુભાઈએ કર્યું હતું. એમ.એસ.વી.એસ. કેળવણી મંડળના પ્રમુખ જીવાભાઈ આહીરે આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર ડૉ. નીલિન્દી નાયકે કર્યું હતું.
એમ એસ વી એસ કેળવણી મંડળના સહમંત્રી મેહુલભાઈ આહીર અને કોલેજના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
