ગુજરાત એલર્ટ | વલસાડ
સનાતન ધર્મ પ્રત્યેની ભાવનાને વધુ પ્રબળ બને તેમજ કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજીની કૃપાથી લોકોને નડતા તમામ વિઘ્નો દૂર થાય તે શુભ આશય સાથે વલસાડમાં પ્રથમ વખત “શ્રી હનુમાન ચાલીસા યુવા કથા”નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.
તારીખ 22 થી 28 ફેબ્રુઆરી, 2026 દરમ્યાન યોજાનારી “શ્રી હનુમાન ચાલીસા યુવા કથા” વલસાડના ધાર્મિક ઈતિહાસમાં એક યાદગાર અધ્યાય બની રહે તેવી ભાવના આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સાત દિવસીય કથા દરરોજ રાત્રે 8.30 થી 11 વાગ્યા સુધી યોજાશે.

કાર્યક્રમ સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદમાં કથા સમિતિના આયોજક પારસ ચૌધરીએ જણાવ્યું કે આ પાવન કથાના વક્તા તરીકે શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા (સાળંગપુરધામ) ઉપસ્થિત રહેશે. તેઓ હનુમાનજીના જીવનચરિત્ર, ભક્તિ, શરણાગતિ અને સનાતન મૂલ્યો વિશે સરળ અને હૃદયસ્પર્શી રીતે માર્ગદર્શન આપશે. ખાસ કરીને યુવા પેઢીમાં ધાર્મિક જાગૃતિ અને સંસ્કારનો સંચાર થાય તે આ કથાનો મુખ્ય ઉદ્દેશ છે.
અન્ય આનંદ પટેલે જણાવ્યું કે આ મહાન ધાર્મિક આયોજનમાં લગભગ 20,000 જેટલા સનાતન ધર્મીઓ ઉપસ્થિત રહેશે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. કથા સ્થળે ભક્તિમય વાતાવરણ સર્જાય તે માટે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે.
રિશિરાજ ઠાકુરના જણાવ્યા મુજબ કથા પૂર્વે ભક્તોમાં ભક્તિભાવ વધુ પ્રગટે તે હેતુસર તા. 25 જાન્યુઆરી, 2026 (રવિવાર)ના રોજ સાંજે 5.30 વાગ્યે ખીચડી ઉત્સવ મહાપ્રસાદનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં 10,000થી વધુ ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન ગુજરાતી સ્કૂલની સામે, કૈલાશ રોડ, વલસાડ ખાતે કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા વલસાડ સહિત આસપાસના વિસ્તારોના તમામ સનાતન પ્રેમી ભક્તોને પરિવાર સાથે ઉપસ્થિત રહી કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજીની કૃપાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
