ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા વહીવટી તંત્ર વલસાડ દ્વારા તૃતીય રાજયકક્ષા પારનેરા ડુંગર વલસાડ આરોહણ – અવરોહણ સ્પર્ધા પારનેરા ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં સમગ્ર રાજયભરના ૨૫૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વલસાડ પ્રાંત અધિકારીશ્રી વિમલ પટેલ, જિલ્લા રમતગમત અધિકારીશ્રી, વલસાડ, મામલતદારશ્રી વલસાડ ગ્રામ્ય, તાલુકા વિકાસ અધિકારીશ્રી, વલસાડ, સરપંચશ્રી પારનેરા, પારનેરા મંદિર ટ્રસ્ટી બાબુભાઈ પટેલ તથા અન્ય અધિકારીગણ અને અગ્રણીઓ દ્વારા લીલી ઝંડી આપી સ્પર્ધકોને પ્રસ્થાન કરાવાયું હતું. ઈનામ વિતરણ સમારોહમાં મહાનુભાવોના હસ્તે વિજેતાઓને મેડલ, ટ્રોફી,પ્રમાણપત્ર તથા પ્રતિકાત્મક ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. ભાઈઓમાં સ્પર્ધક અનિલ દીનેશભાઈ વસાવાએ ૦૮:૨૨ મિનિટ અને બહેનોમાં કરીનાબેન સુરેશભાઈ કાળાંતે ૧૧:૩૭ મિનિટ સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.

જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિમાલી જોષી દ્વારા સ્વાગત પ્રવચન કરી સ્પર્ધા વિશે માહિતી આપતા જણાવ્યું કે રાજયકક્ષાની સ્પર્ધામાં વિવિધ જિલ્લાઓમાંથી ૧૯ થી ૩૫ વર્ષ વયજુથના (સિનિયર) ૧૬૦ યુવક અને ૯૦ યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ ૧ થી ૧૦ ક્રમે વિજેતા થનાર યુવક અને યુવતીઓને મળી કુલ ૨૦ વિજેતા સ્પર્ધકોમાં પ્રથમ ક્રમે ૨૫૦૦૦, બીજા ક્રમે ૨૦૦૦૦, ત્રીજા ક્રમે ૧૫૦૦૦ થી લઈને ૧૦માં ક્રમે વિજેતા થનારને ૫૦૦૦ સુધીની ઈનામની રકમ તેમના બેંક ખાતામાં જમા કરાશે. તથા ૧૧ થી ૨૫ ક્રમે વિજેતા થનાર સ્પર્ધકોને પુજ્યશ્રી મોટા હરિ ઓમ આશ્રમ, સુરત દ્વારા ૪૫૦૦ થી ૨૫૦૦ સુધીના એમ મળીને કુલ રૂ.૧,૦૫,૦૦૦/- ઈનામની રકમ તેમના બેંક ખાતામાં જમા કરાવાશે. કુલ ૨૫ સ્પર્ધકોને ૩,૩૯,૦૦૦/-નો રોકડ પુરસ્કાર એનાયત કરાશે.આ સ્પર્ધામાં પ્રથમ ૧ થી ૧૦ યુવક અને યુવતીઓને તા.૦૧ ફેબ્રુઆરીએ અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા જવાનું રહેશે.

પ્રાંત અધિકારીશ્રી વિમલ પટેલ દ્વારા પ્રસંગોચિત ઉદ્દ્બોધનમાં સ્પર્ધકોની શારીરીક ક્ષમતા બિરદાવતા જણાવાયું કે, ખુબ ઓછા સમયમાં પારનેરા ડુંગર સર કરી વિજેતા થવા માટે ફિટનેસ ખુબ મહત્વનો ભાગ ભજવે છે. ફિટનેસ બાબતે વચન લઈ અને અન્ય ૫ વ્યક્તિઓને પણ સજાગ કરવા કટીબધ્ધ થાઓ. જેથી આવનાર ભવિષ્ય ઉજ્જ્વળ બને.

વલસાડ આરોહણ – અવરોહણ સ્પર્ધાનું સચોટ પરિણામ મળે તે માટે તંત્ર દ્વારા સ્પર્ધાનું સુપરવિઝન ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી થકી કરાયું હતુ. ઉપરાંત રેડીયો ફ્રીકવન્શી ચીપની મદદથી પરિણામ તૈયાર કરાયું હતું. સ્પર્ધાના જાણકાર કોચ, ટ્રેનરોની પણ સેવા લેવામાં આવી હતી.
