ગુજરાત એલર્ટ | વલસાડ
GMERS Medical College ખાતે તા. ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ એનેસ્થેસીયા વિભાગ દ્વારા પ્રસૂતિ એનેસ્થેસીયા વિષયક અનુગ્રણ આધારિત (Simulation Based) વર્કશોપનું સવિસ્તર અને અત્યંત ઉપયોગી આયોજન કરવામાં આવ્યું હતું. આધુનિક તબીબી શિક્ષણ પદ્ધતિને અનુરૂપ આયોજન કરાયેલ આ વર્કશોપનો મુખ્ય હેતુ ગર્ભાવસ્થા તથા પ્રસૂતિ દરમિયાન ઊભી થતી જટિલ પરિસ્થિતિઓનો સમયસર અને અસરકારક રીતે સામનો કરી શકાય તે માટે તબીબોને પ્રાયોગિક અને વાસ્તવિક પરિસ્થિતિ જેવી તાલીમ આપવાનો હતો.
આ વર્કશોપનું આયોજન એનેસ્થેસીયા વિભાગના વડા ડો. હાર્દિક પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કોલેજના ડીન શ્રી કમલેશભાઈ શાહ તથા મેડિકલ સુપ્રીટેન્ડન્ટ શ્રી ભાવેશભાઈ ગોવાણીના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. સાથે સાથે ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ્સ (આઇ.એસ.એ.) વલસાડના પ્રમુખ ડો. સંદિપ દેસાઈ તથા એનેસ્થેસીયા વિભાગના તમામ તબીબો અને સ્ટાફે સક્રિય ભાગ લઈ કાર્યક્રમને શૈક્ષણિક રીતે સમૃદ્ધ બનાવ્યો હતો.
વર્કશોપમાં કુલ ૩૦ અનુભવી કન્સલ્ટન્ટ એનેસ્થેસીયોલોજિસ્ટ તેમજ ૨૫ એનેસ્થેસીયા વિષયના અનુસ્નાતક (M.D.) વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સિમ્યુલેશન આધારિત તાલીમના માધ્યમથી ગર્ભાવસ્થા દરમિયાન થતી ગંભીર અને જીવલેણ જટિલતાઓને કેવી રીતે સંભાળવી તે અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન અચાનક વધુ પડતું લોહી વહેવું, લોહીનું દબાણ અત્યંત વધી જવું તથા તેના કારણે માતા અને બાળક બંનેના આરોગ્ય પર પડતી અસર જેવી પરિસ્થિતિઓને નિયંત્રિત કરવા માટેની આધુનિક એનેસ્થેસીયા પદ્ધતિઓ અને તાત્કાલિક સારવાર પ્રક્રિયાઓની કૃતિમ તાલીમ આપવામાં આવી હતી.
આ સિમ્યુલેશન તાલીમ દ્વારા તબીબોને વાસ્તવિક પરિસ્થિતિમાં ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા વિકસે તેવો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો, જેનાથી ઈમરજન્સી સ્થિતિમાં સમય બચી શકે અને દર્દીના જીવ બચાવવાની સંભાવના વધુ મજબૂત બને. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ પ્રકારની તાલીમ ભવિષ્યમાં માતૃત્વ મૃત્યુદર ઘટાડવામાં તેમજ પ્રસૂતિ સંબંધિત ગંભીર જટિલતાઓને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. સાથે જ પ્રસૂતિ દર્દીઓના આરોગ્ય પરિણામોમાં ગુણવત્તાપૂર્ણ સુધારો થશે અને આરોગ્ય સેવાઓ વધુ સુરક્ષિત અને અસરકારક બનશે.
આ પ્રકારના શૈક્ષણિક અને વ્યવહારુ વર્કશોપ દ્વારા GMERS મેડિકલ કોલેજ, વલસાડ સતત તબીબી શિક્ષણ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપી રહી છે, જે જિલ્લાસહીત સમગ્ર પ્રદેશ માટે ગૌરવની બાબત છે.
