‘‘આત્મનિર્ભર ભારત’’ અને ‘‘મેડ ઈન ઈન્ડિયા’’ના મંત્રને સાકાર કરવા સ્ટ્રાટા એ ઉમરગામમાં જિઓગ્રીડ સ્ટાર્ટઅપ કંપની શરૂ કરી

ગુજરાત એલર્ટ | વલસાડ
‘‘આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ, મેડ ઈન ઈન્ડિયા, ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ’’… સહિતના આ અનેક સ્લોગન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને આપ્યા છે. આ માત્ર સ્લોગન નથી પરંતુ ભારતને તેજ ગતિથી વૈશ્વિક કક્ષાએ ‘‘વિકસિત ભારત’’ બનાવવાના સપનાનો આધાર છે. જેના મૂળમાં ભારતનો આત્મા સમાયેલો છે. આજે એવા અનેક વિશાળકાય ઉદ્યોગો અમેરિકા અને ઈંગ્લેન્ડની વિદેશી ધરતી પર ચાલતા હતા પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીથી પ્રેરાઈને અને ગુજરાત સરકારની ઉદ્યોગ ફ્રેન્ડલી નીતિના કારણે અનેક ઔદ્યોગિક એકમો સ્વદેશની ધરતી પર પરત ફર્યા છે. જેમાંથી એક છે સ્ટ્રાટા જિયોસિસ્ટમ્સ ઈન્ડિયા પ્રા.લિ. આ જાયન્ટ કંપની પહેલા અમેરિકામાં કાર્યરત હતી પરંતુ હવે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ગામે કાર્યરત છે.
સ્ટાર્ટઅપ તરીકે શરૂ થયા બાદ અને ગુજરાત સરકારની ટેક્સટાઈલ પોલીસીનો લાભ મેળવી મોટા પાયે કંપનીની શરૂઆત કરી હતી. જેમાં રાજ્ય સરકારે રૂ. ૩.૪૨ કરોડની સબસીડી પણ આપી હતી. આજે આ કંપની રોજગારીનું સર્જન કરી ૨૫૦ લોકોને રોજગારી આપવાની સાથે સામાજિક વિકાસમાં પણ બહુમૂલ્ય યોગદાન આપી સર્વાંગી વિકાસ સાધ્યો છે.

આજના વૈશ્વિક સ્પર્ધાત્મક યુગમાં કોઈપણ રાજ્ય કે દેશનો સર્વાંગી વિકાસ ઉદ્યોગોના વિકાસ પર નિર્ભર છે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાથી રોકાણકારોને આકર્ષી શકાય છે અને રોજગારીની તકો પણ ઊભી થાય છે. ઉદ્યોગ ફ્રેન્ડલી નીતિના કારણે દેશના આર્થિક વિકાસનો આધાર મજબૂત બને છે. ત્યારે આ અંગે સ્ટ્રાટાના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસ (સી.ઈ.ઓ.) ચંદ્રશેખર કનાડે જણાવે છે કે, ઇજનેરી ઉત્કૃષ્ટતાની શ્રેષ્ઠ મિશાલરૂપ સ્ટ્રાટા જિયોસિસ્ટમ્સે ભારતમાં પોતાની યાત્રા એક ટેક્નોલોજી આધારિત સ્ટાર્ટઅપ તરીકે શરૂ કરી હતી. કંપનીનો હેતુ ભારતીય બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં આધુનિક જિયોસિંથેટિક્સ ટેક્નોલોજીનો ઉપયોગને સ્વીકાર્ય બનાવવાનો હતો. આ સમયે ભારતમાં જિયોગ્રિડ્સ મોટા ભાગે વિદેશથી આયાત કરાતા હતા. સ્થાનિક બજારમાં જિયોગ્રિડેસ ટેકનોલોજી જાણીતી ન હતી. ત્યારે ફલાઈ ઓવરમાં ક્રોંક્રિટ વોલનું કન્સ્ટ્રકશન ચાલતુ હતું. જેનો ખર્ચ વધુ હતો અને ટકાઉપણુ ઓછું હતું. સ્ટ્રાટાએ સ્વદેશી ક્ષમતા (મેડ ઈન ઈન્ડિયા)નો સંકલ્પ કર્યો અને જિયોગ્રિડ્સ બનાવવાની શરૂઆત કરી જો કે, પ્રારંભિક વર્ષોમાં ભારતમાં જિયોસિંથેટિક્સ ટેક્નોલોજીના સ્વીકારમાં જાગૃતિનો અભાવ અને મર્યાદિત વિશ્વાસને કારણે પડકારજનક સ્થિતિ હતી. વિશ્વાસ ઊભો કરવા અને કાર્યક્ષમતા સાબિત કરવા સ્ટ્રાટાએ ઉત્પાદન પુરવઠા સુધી સીમિત રહેવાની જગ્યાએ ઉત્પાદન, ડિઝાઇન અને બાંધકામ સહિતના સંપૂર્ણ ટકનિકી ઉકેલ આપવાનો મુશ્કેલભર્યો પરંતુ સાહસિક નિર્ણય લીધો. આ પગલાંએ બજારમાં વિશ્વાસ ઊભો કર્યો.

તેઓ વધુમાં જણાવે છે કે, ગુજરાતનું મજબૂત ઔદ્યોગિક માળખું, ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ મૈત્રી વહીવટ અને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસના કારણે ૨૦૧૯નું વર્ષ કંપનીના વિકાસમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થયું. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ખાતે આ કંપની ૨૫ એકરમાં ફેલાયેલી છે. કંપનીની સ્થાપનાનો પ્રોજેક્ટ કુલ રૂ. ૮૦ કરોડનો હતો, જેમાંથી ૪૫ કરોડની લોન લીધી હતી ત્યારે ગુજરાત ટેક્સટાઈલ પોલીસી- ૨૦૧૯ અંતર્ગત રૂ. ૩ કરોડ ૪૨ લાખની સબસીડી મળી હતી. આ પ્લાન્ટ શરૂ થયા બાદ ઉત્પાદન ક્ષમતામાં મોટો વધારો થતા દર મહિને ૧૦ લાખ ચોરસ મીટરથી વધીને ૫૫ લાખ ચોરસ મીટર જીઓગ્રીડનું ઉત્પાદન થતા વાર્ષિક ટર્નઓવર અંદાજે રૂ. ૨૭૦ કરોડથી વધીને રૂ.૭૭૫ કરોડ થયું. સ્થિર ઉત્પાદન, પર્યાવરણ અને અદ્યતન ક્ષમતાઓને કારણે સ્ટ્રાટાએ વૈશ્વિક બજારોમાં પણ ઝડપી વિસ્તરણ કર્યું. આજે કંપનીની નિકાસ રૂ.૨૫૦ કરોડથી વધુ છે અને તે આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવે છે. સ્ટ્રાટા એ ભારતની સરહદ વટાવી આજે યુ.એસ.એ., ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, સ્પેન, ફિલિપાઇન્સ, શ્રીલંકા, જોર્ડન, સાઉદી અરેબિયા અને કતાર સહિતના ૪૦થી વધુ દેશોમાં નિકાસ કરે છે. ઉત્પાદન અને નિકાસ સાથે સાથે સ્ટ્રાટાએ ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

કંપનીએ GIDC, NHAI, PWD જેવી સંસ્થાઓ સાથે મળીને કંપનીએ ભીલાડથી અમદાવાદ સુધી NH- ૪૮ પર ૬૦થી વધુ ફ્લાયઓવર રેમ્પ્સ પૂર્ણ કર્યા, વાપી ઇન્ડસ્ટ્રિયલ લેન્ડફિલ (ભારતનું પ્રથમ વર્ટિકલ અને નવીન લેન્ડફિલ) વિકસાવ્યું, કંડલા બંદરમાં યોગદાન, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના ૩૦ ટકા માળખામાં સહભાગીતા અને રિલાયન્સ તથા અદાણી જેવા અગ્રણી ઉદ્યોગ જૂથો માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પૂરાં પાડ્યા છે. ૨૦૨૫માં સ્ટ્રાટાએ અગ્રણી વૈશ્વિક રોકાણ ફંડ પાસેથી મોટાપાયે વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) મેળવ્યું છે. આ રોકાણ કંપનીના વિકાસને વેગ આપશે અને ગુજરાતને વધુ સશક્ત બનાવશે એવી આશા છે. ગુજરાતને વિશ્વના નકશામાં વધુ સશક્ત બનાવવા માટે કંપની આગામી દિવસોમાં આત્મનિર્ભર ભારતની દિશામાં અંદાજે રૂ. ૨૦૦ કરોડના ખર્ચે પ્લાન્ટનું વિસ્તૃતિકરણ કરી રહી છે.

જિયોગ્રીડ શું છે અને તેના ફાયદા શું?
ટેકનોલોજી અને આધુનિક મશીનરીનો ઉપયોગ કરી પોલીસ્ટર યાર્નના રો મટીરીયલ્સમાંથી જિયોગ્રીડ તૈયાર કરવામાં આવે છે. બ્લેક કલરની જાળી ટાઈપ દેખાતી જિયોગ્રીડ હાઈવે, રેલવે, માઈનિંગ, લેન્ડફીલ, એનર્જી, વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટ અને કન્ટેનર યાર્ડ તેમજ જમીન ડેવલપમેન્ટમાં ઉપયોગી થાય છે. જિયોગ્રીડની ખાસિયતો જોઈએ તો, રસ્તા અને બ્રિજ પર આવતો ભાર વહન કરવાની ક્ષમતા વધારે છે. હાઈવે- રસ્તાનું આયુષ્ય વધારે, જમીનને મજબૂત બનાવે છે. ડ્રેનેજ અને પાણી નિયંત્રણમાં મદદરૂપ એટલે કે, પાણી ભરાવાની સમસ્યા ઘટાડે છે, પર્યાવરણને અનુકૂળ રહે છે. લાંબ સમય સુધી ટકાઉ રહે છે. આમ, સ્ટ્રાટા આધુનિક બાંધકામ ટેકનોલોજી દ્વારા મહત્વનું યોગદાન આપી દેશના વિકાસમાં રાહબર બન્યું છે.

ગુજરાત સરકારના અતૂટ સમર્થન અને સહકાર માટે અમે આભારી છીએઃ નરેન્દ્ર દાલમિયા

સ્ટ્રાટાના ડાયરેકટરશ્રી નરેન્દ્ર દાલમિયાએ જણાવ્યું કે, ગુજરાતમાં અમે વિશ્વ કક્ષાની સુવિધા સ્થાપવાનો નિર્ણય લીધો ત્યારથી દરેક તબક્કે અમને ગુજરાત સરકારનો ખૂબ જ સહકાર મળ્યો છે. જેનાથી ગુજરાતમાં ઉત્કૃષ્ટ ઔદ્યોગિક વાતાવરણ ઊભું થયુ છે. ગુજરાત હંમેશાં ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યને વિકાસના શિખરે પહોંચાડવામાં ઉદ્યોગો મહત્વની ભૂમિકા ભજવે છે. છેલ્લા ચાર વર્ષમાં ઉત્પાદન સુવિધા વધારવામાં સરકારના સહયોગથી મહત્વની ભૂમિકા ભજવી છે. અમે ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના અતૂટ સમર્થન અને સહકાર માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

ડહેલી ગામમાં સ્ટ્રાટાએ બે શાળા શરૂ કરી, હાલ ૪૦૦ બાળકો શિક્ષણ મેળવે છે
ઔદ્યોગિક વિકાસ સાથે સાથે સ્ટ્રાટાએ સામાજિક વિકાસ માટે પણ પ્રતિબદ્ધતા દર્શાવી છે. ડહેલી ગામમાં કંપનીએ બે પ્રાથમિક શાળાઓનું આધુનિક સુવિધાઓ સાથે પુનર્નિર્માણ કર્યું છે, જેનાથી ૪૦૦થી વધુ બાળકો લાભાન્વિત થયા છે. આ ઉપરાંત અનેક સામાજિક પહેલો દ્વારા શિક્ષણ, હોસ્પિટલોમાં જરૂરી સાધન સામગ્રી અને રસ્તા બનાવવા માટે યોગદાન આપી સર્વાંગી વિકાસ માટે પોતાની દીર્ઘકાલિન પ્રતિબદ્ધતા દર્શાવી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!