ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ- ૩ની પરીક્ષા તા. ૦૪/૦૧/૨૦૨૬ને રવિવારે વલસાડના સાત પરીક્ષા કેન્દ્રો પર લેવાનાર છે જે સંદર્ભે વલસાડ જિલ્લા અધિક કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં એક બેઠક યોજાઈ હતી. જિલ્લામાં ૧૮૦૭ અને ૨૮ દિવ્યાંગ મળી કુલ ૧૮૩૫ ઉમેદવારો આ પરીક્ષા આપશે, જે માટે કુલ ૨૩૮ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષશ્રી હસમુખભાઈ પટેલે પરીક્ષા સંદર્ભે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપયોગી સલાહ સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં વલસાડ જિલ્લા અધિક કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમાએ પરીક્ષા સંબંધે થયેલી તૈયારીની રૂપરેખા, વિદ્યાર્થી સંખ્યા, કેન્દ્રોની સંખ્યા, બિલ્ડીંગ, બ્લોક વ્યવસ્થા, તમામ પરીક્ષા સ્થળો ઉપર સીસીટીવી વ્યવસ્થા ચાલુ હાલતમાં હોય, પરીક્ષા કેન્દ્રો અને સ્ટ્રોંગરૂમ ખાતે સલામતી વ્યવસ્થા, પરીક્ષા સ્થળોની આજુબાજુ ૧૦૦ મીટર ત્રિજ્યામાં તમામ ઝેરોક્ષ સેન્ટરો બંધ કરી અસરકારક અમલીકરણ, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ- વાહનવ્યવહારની સગવડો, સતત વીજ પુરવઠો ચાલુ રહે તે માટે આયોજન, પરીક્ષા સ્થળોની ભૌતિક સગવડ જેવી કે, બ્લોકની વ્યવસ્થા, કમ્પાઉન્ડ, લાઈટ- પંખા, પીવાના પાણીની સગવડ, પરીક્ષા કેન્દ્ર ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ઉમેદવારો માટે આરોગ્ય વિષયક અદ્યતન સુવિધા પૂરી પાડવી, પરીક્ષા સ્થળો અને સ્ટ્રોંગરૂમ ખાતે તથા પ્રશ્નપત્રો લાવવા- લખેલી ઉત્તરવહી લઈ જવા પોલીસ બંદોબસ્ત અને પરીક્ષા સાથે સંકળાયેલા ઝોનલ અધિકારીઓ, આયોગના પ્રતિનિધિઓ, તકેદારી સુપરવાઈઝરો અને કેન્દ્ર સંચાલકોની તાલીમ બાબતે અધિક જિલ્લા કલેકટરશ્રીએ વિસ્તૃત છણાવટ કરી સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક ભાર્ગવ પંડ્યા, જિલ્લા સ્ટેમ્પ ડ્યુટી કલેકટર શ્વેતા પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજેશ્રી ટંડેલ, જિલ્લા મેલેરિયા અધિકારી ડો.મનોજ પટેલ, શિક્ષણ નિરીક્ષક બીપીનભાઈ પટેલ, વલસાડ શહેર વીજ કંપનીના નાયબ કાર્યપાલક ઈજનેર ગૌરાંગ ગામીત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડમાં આ સાત સ્થળે રવિવારે પરીક્ષા લેવાશે
(૧) કુસુમ વિદ્યાલય, (૨) સેન્ટ જોસેફ ઇંગલિશ સ્કૂલ, (૩) બાઈ આવબાઈ હાઈસ્કૂલ, (૪) જમનાબાઈ સાર્વજનીક કન્યા વિદ્યાલય (૫) આર. એમ. વી.એમ સ્કૂલ અને (૬) બીએપીએસ સ્વામીનારાય યુનિટ- ૧ અને (૭) બીએપીએસ સ્વામીનારાય વિદ્યામંદિર યુનિટ- ૨ માં રવિવારે જિલ્લાના ૧૮૩૫ ઉમેદવારો પરીક્ષા આપશે.
